ચીનના વુહાન પ્રાંતથી પ્રસરેલા કોરોના વાયરસના ઝપેટમાં હાલ દુનિયાના અનેક દેશો આવી ગયા છે. સમગ્ર વિશ્વમાં અત્યાર સુધી 67 લાખથી વધુ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી ચુક્યો છે.
જ્યારે આ મહામારીના કારણે 3.80 લાખથી વધુ લોકોના મોત નિપજ્યા છે. એકબાજુ ઘણા દેશોમાં કોરોનાના કારણે લોકડાઉન પણ લગાવવામાં આવ્યુ હતુ જેના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો. તો બીજીબાજુ કોરોનાને લીધે તે લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે જે દિવ્યાંગ છે અને નાના-મોટા કામ માટે એકબીજા પર નિર્ભર રહે છે.
અંધ લોકો વસ્તુને અડીને સમજે છે, તો બીજી તરફ મૂક-બધિર લોકો ઈશારા, ચહેરાના હાવ-ભાવ અને હોઠોની હલચલથી વાતો કરે છે અને સમજે છે. પરંતુ, સંક્રમણ ફેલાવાથી રોકવા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જેવા ઉપાયથી દુનિયાભરના 46 કરોડ લોકોની મુશ્કેલી વધી ગઈ છે.
તેઓ માનસિક મુશ્કેલીઓનો પણ સામનો કરી રહ્યા છે. અમેરિકામાં આવા 3.7 કરોડ લોકો છે. કેલિફોર્નિયામાં કોમ્પ્ટનમાં રહેનારી એશલિયા હેઝ પણ આમાંની એક છે. તેણે કહ્યું કે, આજુબાજુ ગભરાટનો માહોલ છે. મારી ચિંતા વધી ગઈ છે. મહામારીએ અમારી જિંદગી પૂરી રીતે બદલી દીધી છે.
આપને જણાવી દઈએ કે, ભારતમાં 2 કરોડથી વધારે દૃષ્ટિહીન અને મૂક-બધિર લોકો છે. વર્ષ 2019ના સર્વે પ્રમાણે દેશમાં આશરે 1.8 કરોડ લોકો દૃષ્ટિહીન છે અને 42 લાખ લોકો મૂક-બધિર છે. સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ પ્રમાણે દુનિયાભરમાં દિવ્યાંગ લોકોની સારવાર અને દેખભાળ કરવામાં વર્ષે 5.62 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે.