ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતીય વાયુસેનાને પાંચ વધારે અપાચે હેલિકોપ્ટર મળી ચુક્યું છે. તેની સાથે જ હવે ભારતીય વાયુસેનાની પાસે તમામ 22 અપાચે એટેક હેલિકોપ્ટર સંચાલન માટે તૈયાર છે. સાથે જ ચિનુક હેલિકોપ્ટર પણ ભારતીય વાયુસેનાને મળી ચુક્યા છે.
અમેરિકી એવિએશન કંપની બોંઈગે ભારતીય વાયુસેનાને તમામ અપાચે અને ચિનુક હેલિકોપ્ટરની ડિલીવરી કરી દીધી છે. 22 અપાચે અટેક હેલિકોપ્ટરમાં છેલ્લા પાંચની ડિલીવરી વાયુસેનાના હિંડન એરબેસ ઉપર કરવામાં આવી હતી. આ પહેલા બોઈંગે 15 ચિનુક હેલિકોપ્ટરની ડિલીવરી માર્ચમાં વાયુસેનાને કરી હતી..
તેને લઈને બોઈંગ ઈન્ડિયાએ ભારતીય વાયુસેનાનો આભાર માન્યો છે. ગત્ત વર્ષે સપ્ટેમ્બરમાં અપાચે હેલિકોપ્ટરની પહેલી બેચ ભારતને મળી હતી. જેમાં આઠ અપાચે હેલિકોપ્ટરનો સમાવેશ થાય છે. વાયુસેનાએ 22 હેલિકોપ્ટરની ખરીદી માટે 2015માં અમેરિકી કંપની બોઇંગની સાથે સોદો કર્યો હતો. પાકિસ્તાન અને ચીન પર નજર રાખવા માટે અપાચે હેલિકોપ્ટરને પંજાબ પઠાણકોટ અને જોરહાટ એબેઝ પર તૈનાત કરવામાં આવ્યા છે.
આપને જણાવી દઈએ કે, આ હેલિકોપ્ટર વિશ્વનાં સર્વશ્રેષ્ઠ હેલિકોપ્ટર પૈકી એક માનવમાં આવે છે. ખાસ કરીને તે માઉન્ટેન વોર ફેર માટે ખુબ જ શ્રેષ્ઠ છે. અમેરિકી સેના તેનો ઉપયોગ અફઘાનિસ્તાનના ઉંચા પહાડોમાં તાલિબાનો વિરુદ્ધ કરી રહી છે. હાલમાં અપાચે હેલિકોપ્ટર લદ્દાખમાં સેનાનો હિસ્સો છે. તેમાં એન્ટી ટેંક મિસાઇલથી માંડીને કોઈપણ મુશ્કેલ સ્થિતીમાં ઉડાણ ભરવાની ક્ષમતા છે.