સુપ્રીમ કોર્ટ દ્વારા સમલૈંગિક કાયદાનું બિલ પાસ કરવામાં આવ્યું છે. ત્યારે ઉત્તર પ્રદેશમાં હાલ એક સમલૈંગિક લગ્ન ચર્ચાનો વિષય બન્યો છે. માત્ર રાજ્યમાં જ નહીં પણ આ મામલો હવે દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. ફતેહપુર અને કાનપુરની બે યુવતિઓ વચ્ચે પ્રેમ પાંગર્યો હતો અને હવે તેઓ એકબીજાની જીવનસાથી બનતા આ સમગ્ર મામલે ભારે હંગામો મચ્યો છે.
આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે તેમણે પોલીસ સ્ટેશન પહોંચી સુરક્ષા પુરી પાડવા માંગ કરી. જોકે પોલીસે બન્નેને વયસ્ક હોવાના કારણે અને સમલૈંગિક કાયદા અંતર્ગત એકસાથે રહેવાની છૂટ આપી છે. મળતી માહિતી અનુસાર આ મામલો ફતેહપુર જિલ્લાનો છે. જ્યાં એક સોસાયટીમાં રહેતી 20 વર્ષીય કોમલ કોચીંગ કરવા 2 વર્ષ પહેલા કાનપુર ગઈ હતી. જ્યાં મોલમાં તે નોકરી કરવા લાગી હતી. એ જ મોલમાં નોકરી કરતી કાનપૂરની પુનમદેવી નામની યુવતી સાથે તેની મિત્રતા થઈ હતી.
ધીરે ધીરે મિત્રતા એટલી ગાઢ થઈ ગઈ કે તે બન્નેએ લગ્નની ઇચ્છા દર્શાવી અને પરિવારના સભ્યોની જાણ બહાર લગ્ન પણ કરી લીધા. બન્ને થોડાક મહિના અગાઉ ઘરના સભ્યોને જણાવ્યા વિના જ ફરવા માટે નીકળી પડી હતી. જોકે પરત ફરતાની સાથે જ પરિવારના સભ્યોએ તેમને અલગ કરી દીધા.
ત્યારબાદ પરિવારના સભ્યોના વિરોધ સામે બન્ને ન્યાય અને સુરક્ષાની માંગ સાથે સ્થાનિક પોલીસ સ્ટેશને પહોંચી હતી. જોકે, બીજીબાજુ આ લગ્નને લઈ પૂનમ દેવી કે જે વરરાજા બની છે તેની માતાએ આ લગ્નનો સ્વીકાર કરવા માટે તૈયારી દર્શાવી હતી અને તેમણે જણાવ્યુ હતું કે, તેઓ આ લગ્નથી રાજી છે.