લિંબાયત નીલગીરી સર્કલ પાસે નાઇટ પેટ્રોલિંગમાં નીકળેલા પોલીસ કોન્સ્ટેબલ પર 2 હુમલાખોરે ચપ્પુથી હુમલો કર્યો હતો. લિંબાયત પોલીસે બન્ને હુમલાખોરોની સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, પોલીસકર્મીએ ઝઘડો નહીં કરી ઘરે જવાનું કહેતા બે યુવકો ઉશ્કેરાઈ ગયા હતા અને પીઠમાં એક ચપ્પુનો ઘા મારી દીધો હતો. આ ઘટનામાં અન્ય પોલીસકર્મીઓ જીપમાં ત્યાં આવી જતા પોલીસકર્મીનો જીવ બચી ગયો હતો.
લિંબાયત પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ 36 વર્ષીય ભાવિન પરષોત્તમ સોલંકી 11 જૂને મધરાત્રે નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં ખાનગી બાઇક પર નીકળ્યો હતો. દરમિયાન લિંબાયત નીલગીરી સર્કલ પાસે ગણેશ છોટુ સૂર્યવંશી અને દીપક હીરામણ કોળી અંદરો અંદર ઉંચા અવાજે બોલી ઝઘડો કરી રહ્યા હતા. જેથી પોલીસ કોન્સ્ટેબલ ત્યાં પહોંચ્યા હતા અને ઝઘડો નહીં કરવા અને તેઓને ઘરે ચાલી જવા માટે કહ્યું હતું. જેથી ઉશ્કેરાયેલા ગણેશ ઉર્ફે છોટુએ પોતાની પાસે રહેલા છરા વડે કોન્સ્ટેબલના પીઠના ભાગે મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.