રાજકોટ શહેરમાં છેલ્લા સાત દિવસમાં કોરોનાના કેસમાં વધારો થયો છે સોમવારે 4 કેસ આવ્યા બાદ મંગળવારે વધુ 3 નવા પોઝિટિવ આવતા એક્ટિવ કેસની સંખ્યા વધીને 15 થઈ છે. જેને પગલે મનપા તંત્ર એલર્ટ થયું છે.પ્રિકોશનરી ડોઝ લીધેલા વ્યક્તિઓના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. જરૂર જણાયે ભીડ ભાડ વાળી જગ્યાએ ટેસ્ટીંગ બુથ શરૂ કરાશે આ અંગે મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, પહેલા અમે 900 લોકોના ટેસ્ટ કરતા હતા. હવે 2 દિવસની અંદર મનપા દ્વારા કોરોના ટેસ્ટિંગની સંખ્યામાં વધારો કરવામાં આવશે અને દૈનિક 1500 લોકોના ટેસ્ટ કરવામાં આવશે.આગામી દિવસોમાં જરૂર જણાયે ભીડ ભાડ વાળી જગ્યાએ ટેસ્ટીંગ બુથ પણ શરૂ કરવામાં આવશે. લોકોને અપીલ છે કે માસ્ક પહેરીને રાખે. નોંધનીય છે કે છેલ્લા એક સપ્તાહમાં પ્રિકોશનરી ડોઝ લીધેલા વ્યક્તિઓના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે.
મનપાની આરોગ્ય શાખાના જણાવ્યા અનુસાર રાજકોટ શહેરમાં 3 નવા કેસ આવ્યા છે જેમાં સેતુબંધ સોસાયટીમાં રહેતા 32 વર્ષના યુવાન, પંચવટી સોસાયટીમાં 40 વર્ષના યુવાન તેમજ ઘંટેશ્વરમાં રહેતા 60 વર્ષીય વૃદ્ધનો સમાવેશ થાય છે.આ ત્રણેય કેસમાં ટ્રાવેલ હિસ્ટ્રી અને કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે ટીમ મોડી સાંજે રવાના થઈ હતી. જેમાં થાઈલેન્ડથી પરત ફરેલ એક યુવક કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. અત્યાર સુધીમાં રાજકોટ શહેરમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 63723 થઈ છે અને એક્ટિવ કેસ 15 થયા છે. બીજી તરફ અત્યાર સુધી જિલ્લામાં એકપણ કેસ નોંધાયો નથી.રાજકોટ સિવાય સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લામાં એક કેસ નોંધાયો છે. આ સિવાય ક્યાંય કોરોનાએ દેખા દીધી નથી. છેલ્લા સાત દિવસથી ધીમે-ધીમે કોરોનાના કેસ વધતા આરોગ્ય તંત્ર ફરી હરકતમાં આવ્યું છે.