રાધનપુરમાં હાઇવેથી ગ્રીનપાર્ક જવાના માર્ગ ઉપર મહિનાઓથી ગટરના પાણી જાહેર માર્ગ ઉપર આવે છે. લોકો મહામુસીબતે ગંદા પાણીમાં થઈને પસાર થવું પડે છે. અવાર-નવાર નાગરિકો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે.તેમ છતાં પાલિકાના કોંગ્રેસની બોડીમાં બેઠેલા સત્તાધીશોના પેટનું પાણી હાલતુ નથી.લોકોની માંગ છે કે પાકો રોડ ના બને તો કમસે કમ લોકો ચાલી શકે એટલું કામ તો કરો.રાધનપુર નગરપાલિકામાં કોંગ્રેસની જ બોડી સત્તા ઉપર હોવા છતાં શહેરના નાગરિકો આજે અનેક યાતનાઓ ભોગવી રહ્યા છે.
શહેરના મોટાભાગના રસ્તાઓ બિસ્માર બની ગયા છે. ઠેર-ઠેર ગટરોના પાણી જાહેરમાર્ગ ઉપર આવતાં લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.રાધનપુરના ધારાસભ્ય રઘુભાઇ દેસાઈ હાલમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં પોતાની ટિકિટ ફાઇનલ માનીને જીત થાય એ માટેના પ્રયત્નોમાં લાગેલા છે.રઘુભાઇ દેસાઈ ધારાસભ્ય હોવા છતાં શહેરના 40 હજારથી વધુ નાગરિકોને હાલાકી ભોગવવી પડી રહી છે. શહેરના નાગરિકો એવુ કહેતા સાંભળવા મળે છે કે કોંગ્રેસને જીતાડીને મોટી ભૂલ કરી છે, આના કરતાં તો કોઈ સ્થાનિક ઉમેદવાર જીતે તો લોકોની લાગણી તો સમજે.