રવિવારે દેશભરમાં વિજયા દશમીની ઉજવણી કરવામાં આવી હતી. વિજયા દશમી એટલે કે દશેરાના દિવસે રાવણના પુતળાનું દહન કરવામાં આવતું હોય છે. જોકે પંજાબમાં લોકોએ રાવણની જગ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પુતળુ બનાવી તેને સળગાવ્યુ હતું. પંજાબના ખેડૂતોએ કૃષિ કાયદાના વિરોધમાં પીએમ મોદીને રાવણ બતાવી સળગાવતા ખળભળાટ મચ્યો છે.
છેલ્લા ઘણા સમયથી પંજાબના ખેડૂતો કૃષિ બિલને લઈ વિરોધ કરી રહ્યા છે. આ મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ પીએમ મોદી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે ફરી એક વખત સોશિયલ મીડિયા પર સરકાર પર પ્રહાર કર્યો છે. કોંગ્રેસ નેતાએ ટ્વિટર પર એક અહેવાલ શેર કર્યો છે જેમાં જણાવાયુ છે કે, પંજાબના ખેડૂતોએ કૃષિ કાયદાના વિરોધમાં વડાપ્રધાન અને કારોબારી દિગ્ગજોના પૂતળા સળગાવ્યા છે. રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં લખ્યું કે, કાલે પંજાબમાં આ ઘટના ઘટી. આ દુઃખદ ઘટના છે. પંજાબના ખેડૂતોના મનમાં વડાપ્રધાન માટે ખૂબ જ ગુસ્સો ભરેલો છે.
આ એક ખતરનાક ઉદાહરણ છે અને તે દેશ માટે સારું નથી. મહત્વનું છે કે, કૃષિ કાયદા માટે વિરોધ પ્રદર્શન વચ્ચે પંજાબ સરકારે કાયદા વિરુદ્ધ પંજાબ વિધાનસભામાં પ્રસ્તાવ રજૂ કર્યો હતો. મુખ્યમંત્રીએ કેન્દ્રના કૃષિ કાયદા વિરુદ્ધ ત્રણ બિલ રજૂ કર્યા હતા.