પાવી જેતપુરમાં હરીજનવાસ વિસ્તારમાં ખુલ્લી ગટરને મુદ્દે એક આગેવાન દ્વારા તંત્ર પાસે ભૂખ હડતાલની મંજૂરી માંગવામાં આવી હતી. જે અંગેના અહેવાલ દીવ્ય ભાસ્કરમાં પ્રસીધ્ધ થતાં વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. અને ગણતરીના દીવસોમાં જ ગટરમાં પાઇપ લાઇન નાખી માટીપુરાણ કરી ગંદકી દૂર કરવામાં આવી છે.પ્રાપ્ત માહિતી અનુસાર પાવી જેતપુરના હરીજનવાસ વિસ્તારમાં ખુલ્લી ગટર હતી. જેને લઈને સ્થાનિક લોકો વર્ષોથી ગંદકીમાં રહેવા મજબૂર બન્યા હતા, અને આ ગંદકી દૂર કરાવવા મુદ્દે ગામના એક આગેવાન દ્વારા વહીવટી તંત્ર પાસે ભૂખ હડતાળ પર બેસવા માટે મંજૂરી માંગવામાં આવી હતી.
આ અંગેનો અહેવાલ દીવ્ય ભાસ્કરમાં પ્રસીધ્ધ થતાં જ વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું હતું. અને તાલુકા વિકાસ આધેકારી પ્રવીણ ચૌહાણ, તાલુકા પંચાયતના એસ.ઓ. ચૌધરીએ સ્થળ મુલાકાત કરી હતી અને ગ્રામ પંચાયતને તાત્કાલીક ગંદકી દૂર કરવાની સૂચના આપી હતી. જેને લઈને ગ્રામ પંચાયતના તંત્ર દ્વારા તાબડતોબ ખુલ્લી ગટરમાં પાઇપ નાખીને માટી પુરાણ કરી ગંદકી દૂર કરવાની શરૂઆત કરી દીધી છે અને મોટાભાગનું કામ સોમવારે પૂરું થઈ ગયું છે.