મહેસાણા જિલ્લામાં હવે કોરોના સંક્રમણ અટકાવવા તંત્ર હરકતમાં આવ્યું છે. અન્ય જિલ્લામાંથી કે પછી અન્ય દેશમાંથી આવતા લોકોને હવે વિલેજ કોરેન્ટાઇનમાં રાખવાની કવાયત હાથ ધરાઈ છે. મહત્વનુ છે કે, મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર એ ગુજરાતમાં પ્રથમવાર કહી શકાય તેવા પગલાં લેવામાં આવી રહ્યા છે.
જેમાં હવે બહારથી આવતા લોકોને લઈને ગામડા સુધીના સંક્રમણને અટકાવવા નક્કર પગલાં હાથ ધર્યા છે. જેના ભાગ રૂપે વિદેશથી કે અન્ય જિલ્લામાંથી આવતા લોકોને જિલ્લામાં પ્રવેશ પહેલા જ અટકાવી પેઈડ અથવા ફ્રી ક્વોરેન્ટાઇનની સુવિધા ઉભી કરી છે.
કોઈ પણને પોતાના ઘર સુધી પહોંચવા દેવામાં નહિ આવે અને તમામને 14 દિવસનો ક્વોરેન્ટાઇન સમય આ વ્યવસ્થામાં પૂર્ણ કર્યા બાદ જ તેમને ઘેર મોકલશે. જેમાં અન્ય જિલ્લામાંથી કે વિદેશથી આવતા પ્રવાસીઓને હોટેલ-ધર્મશાળાઓમાં ક્વોરેન્ટાઇનમાં રાખવાની ફરજીયાત વ્યવસ્થા ઉભી કરાઇ છે. મહેસાણા જિલ્લામાં 19 હોટેલ-રેસ્ટોરન્ટમાં પેઈડ ક્વોરેન્ટાઈ સુવિધા ઉભી કરાઇ છે.
તેમજ 10 શાળા અને ધાર્મિક મંદિરની ધર્મશાળામાં ફ્રી ક્વોરેન્ટાઇન સેન્ટર ઉભા કરાયા છે. આ કોવોરેન્ટાઇન વ્યવસ્થામાં ટોટલ 1292 પ્રવાસી રહી શકે તેવી વ્યવસ્થા ઉભી કરાઇ છે. જેમાં આજે US થી કે અન્ય દેશમાંથી આવનારને મહેસાણા હોટેલમાં ક્વોરેન્ટાઇન કરવામાં આવશે.
જેમાં ખાસ ધાર્મિક સંસ્થાઓ સાથે મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક બેઠકનું આયોજન કરી શંખલપુર, ઊંઝા, ઐઠોર તેમજ મોઢેશ્વરી માતાજી મંદિર ધર્મશાળામાં ફ્રી ક્વોરેન્ટાઇન સેન્ટર ઉભા કરાયા છે.