જમ્મુ-કાશ્મીરમાં અવાર નવાર આતંકીઓ દ્વારા ઘુસણખોરી કરી ભારતીય સેના તેમજ સામાન્ય નાગરીકોને નિશાન બનાવી આતંકી હુમલા કરવામાં આવતી હોવાની ઘટના બનતી રહે છે. જોકે, સેના પણ સતર્ક રહીને આતંકીઓના નાપાક ઈરાદાઓને નિષ્ફળ બનાવી રહી છે. આ માટે ભારતીય સેના દ્વારા આતંકીઓનો ખાતમો બોલાવવા માટેનુ ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે જે અંતર્ગત ઘાટીમાં રહેલ આતંકીઓને ઠાર કરવામાં આવી રહ્યા છે.
(File Pic)
ત્યારે જમ્મુ કાશ્મીરના શોપિયામાં આજે સેનાએ વધુ ચાર આતંકીઓને ઠાર કર્યા છે. જમ્મુ કાશ્મીરમાં આવેલા શોપિયાના અમ્શીપોરામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ સર્જાઈ હતી. જેમાં સેનાએ ચાર આતંકવાદીઓને ઠાર માર્યા છે. સુરક્ષાદળોએ હાલ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે સાથે જ આતંકીઓની ઓળખ પ્રક્રિયા હાથ ધરી છે.
(File Pic)
મળતી માહિતી મુજબ, શનિવારે સવારે એન્કાઉન્ટર અગાઉ સુરક્ષાકર્મીઓને વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી. આ માહિતી મળતાની સાથે જ પોલીસ, સેના અને સીઆરપીએની એક સંયુક્ત ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન પોતાને ચારેય તરફથી ઘેરાયેલા જોઈને આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. જેનો વળતો જવાબ આપતા સેનાએ ચાર આતંકીઓને ઠાર કર્યા હતા.
(File PIc)
આ પહેલા શુક્રવારના રોજ પણ જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. આ રીતે 24 કલાકમાં ઘાટીમાં કુલ 7 આતંકવાદીઓને ઠાર કરવામાં સેનાને સફળતા મળી છે.