સાબરકાંઠા એસઓજીએ શનિવારે બાતમીને આધારે હિંમતનગર બસ સ્ટેન્ડ રોડ પર થી પસાર થઈ ગયેલ મોડાસાના શખ્સને પકડી તેની પાસેથી 11 આઈફોન અને એક સેમસંગ મોબાઇલ કબજે લઇ પૂછપરછ કરતા સંતોષકારક જવાબ ન મળતાં ચોરીના મોબાઈલ હોવાની આશંકા સાથે અટક કરી તપાસ શરૂ કરતાં દિલ્હીથી ચોરીના મોબાઈલ મંગાવતો હોવાની કબૂલાત કરી હતી.શનિવારે એસઓજીને બાતમી મળી હતી કે એક શખ્સ ચોરીના મોબાઇલ વેચવા સિવિલ સર્કલ થી ઉમાશંકર બ્રિજ બાજુ જઈ રહ્યો છે જેને પગલે શખ્સને બસ સ્ટેન્ડ રોડ પર થી પકડી તેના થેલામાં તપાસ કરતાં અલગ અલગ મોડલના મોબાઈલ મળતાં માલિકીના પુરાવા અંગે ગલ્લાતલ્લા કરતા નકીબહુસેન સલીમભાઈ જેથરાનામના શખ્સને એસ.ઓ.જી કચેરીએ લવાયો હતો.
એસઓજી પીઆઇ પ્રહલાદસિંહ વાઘેલાએ જણાવ્યું કે સીમકાર્ડ સાથેના 06 સીમકાર્ડ વગરના 04 મળી કુલ 10 આઈફોન અને એક સેમસંગ ફોન થેલામાંથી મળ્યા હતા તથા એક આઈફોન નકીબહુસેનના ખિસ્સામાંથી મળ્યો હતો.આમ કુલ 12 મોબાઇલ કિં. 7.65 લાખનો મુદ્દામાલ કબજે લઇ મોબાઈલની માલિકીના પુરાવા અંગે પૂછપરછ કરતાં કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હોવાથી ચોરીના મોબાઈલ હોવાની આશંકા સાથે નકીબ હુસેનની અટક કરીપૂછપરછ કરતાં ભાંગી પડયો હતો અને તમામ ચોરીના મોબાઈલ દિલ્હીથી કુરિયરમાં મંગાવી સ્પેરપાર્ટ અલગ કરી વેચાણ કરતો હોવાની કબૂલાત કરી હતી તેમણે ઉમેર્યું કે એક આઈફોનની ચોરીનો ગુનો દિલ્હી રાજોરી ગાર્ડન પોલીસ સ્ટેશનમાં પણ દાખલ થયો હોવાનું શોધી કાઢવામાં આવ્યું છે.