ગુજરાતમાં સાવજોની સંખ્યામાં 29 ટકાનો વધારો નોંધાયો છે અને ગીર અને તેની આસપાસના જંગલોમાં 674 જેટલા સાવજો વસવાટ કરતા હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં જ સિંહોની ગણતરીનું કામકાજ હાથ ધરવામાં આવ્યું હતું જે દરમિયાન આ વિગત સામે આવી છે.
મળતી માહિતી મુજબ, ગુજરાત માટે સારા સમાચાર છે.સિંહોની વસ્તીમાં વધારો નોંધાયો છે. હાલ, સિંહની સંખ્યા 674 નોંધાઇ છે. પાંચ વર્ષ પહેલા સિંહની સંખ્યા 523 હતી. એટલે પાંચ વર્ષમાં 151 સિંહો વધ્યા છે. સિંહની વસ્તીમાં 29% નો વધારો થયો છે.
નોંધનીય છે કે, વન વિભાગ દ્વારા પાંચમી તારીખે એટલે પૂનમનાં દિવસે બપોરના 2 વાગ્યેથી છઠ્ઠી તારીખના બપોરના 2 વાગ્યા સુધી એટલે કે 24 કલાક સુધી સિંહ અવલોકન કરવામાં આવ્યું હતું. સિંહોની વસ્તી ગણતરી દર પાંચ વર્ષે થાય છે, અને અગાઉ 2015 માં સિંહની વસ્તી ગણતરી થઇ હતી. ત્યારે આ વર્ષે 2020માં સિંહની વસ્તી ગણતરી થઇ છે.
સિંહની ડણક ગુજરાતના નવ જિલ્લાઓમાં ગરજી
નોંધનીય છે કે, વન વિભાગના સ્ટાફ દ્વારા દર માસની પૂનમના દિવસે બપોરના બે કલાકથી બીજા દિવસે બપોરના બે કલાક દરમિયાન સિંહોનું અવલોકન કરી નોંધવામાં આવે છે. આ રીતનું અવલોકન છેલ્લા સાત વર્ષથી કરવામાં આવી રહ્યું છે. હાલમાં ગુજરાતનું ગૌરવ ગણાતા ગીરના ડાલામથ્થા સાવજો જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, પોરબંદર તથા રાજકોટ અને સુરેન્દ્રનગર સુધી વસવાટ કરતા નજરે પડી રહ્યા છે. આમ સિંહની ડણક ગુજરાતના નવ જિલ્લાઓમાં ગરજી રહી છે.