છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હતું. જોકે, આ સંક્રમણ હવે ઘટતું હોય તેવુ લાગી રહ્યું છે. 24 કલાકમાં નવા નોંધાયેલા આંકડા આ વાતની સાક્ષી પુરી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસો બાદ રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો 1300થી નીચે નોંધાયો છે. રાજ્યમાં 7 ઓક્ટોબર સાંજથી 8 ઓક્ટોબર સાંજ સુધીમાં 1278 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં 24 કલાકમાં 1278 પોઝિટિવ કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા વધીને 1,47,951 થઈ છે.
તો બીજીબાજુ રાજ્યમાં એક જ દિવસમાં 1266 દર્દીઓએ કોરોનાને માત આપી છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. રાજ્યમાં 24 કલાકમાં વધુ 10 દર્દીના કોરોનાથી મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 3541 થયો છે. જ્યારે અત્યાર સુધી રાજ્યમાં કુલ 1,27,923 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં આજે નોંધાયેલ કેસોમાં સૌથી વધુ કેસ ફરી એકવાર સુરતમાં સામે આવ્યા છે. સુરતમાં 24 કલાકમાં 270 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદમાં 195, વડોદરામાં 124 અને રાજકોટમાં 105 કેસ નોંધાયા છે. જ્યારે ભાવનગરમાં 20, જામનગરમાં 89, પંચમહાલમાં 24, અમરેલીમાં 34, સુરેન્દ્રનગરમાં 24 કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં કુલ 16487 એક્ટિવ કેસ હોવાની વિગત સામે આવી છે.