ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય રંગ જામ્યો છે, ત્યારે કોંગ્રેસની મુશ્કેલી અટકવાનું નામ નથી લઈ રહી. ટિકિટ વહેંચણીથી નારાજ એક પછી એક નેતાઓ પાર્ટી સાથે છેડો ફાડી રહ્યાં છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર એમ ચો તરફથી કોંગ્રેસમાં જૂના નેતાઓ બળવો પોકારી રહ્યાં છે.
કોંગ્રેસના નેતાઓ એક પછી એક પાર્ટીનો સાથ છોડીને ભાજપમાં ભળી રહ્યાં છે અથવા તો અપક્ષ ઉમેદવારી નોંધાવી રહ્યાં છે. એવામાં કોંગ્રેસ ઘણાં સમયથી પોતાના નેતાઓ દ્વારા પાર્ટી છોડીને જતા રહેવાની સમસ્યાનો સામનો કરી રહી છે.
જેના પગલે ગુજરાતમાં કોંગ્રેસ દિન-પ્રતિદિન નબળી પડતી જાય છે વિરમગામ કોંગ્રેસના 8 સિટીંગ કોર્પોરેટરોએ ટિકિટ વહેંચણીથી નારાજગી વ્યક્ત કરીને બળવો પોકાર્યો છે. જેમાં બે પૂર્વ વિપક્ષી નેતાઓની ટિકિટ કાપવામાં આવતા 8 સિટિંગ કાઉન્સિલરોએ અપક્ષ ઉમેદવારી નોંધાવવાનો નિર્ણય કર્યો છે.
તો પાટણમાં પણ કોગ્રેસના ઘણા દાવેદારોમાં ટિકિટ વહેંચણીને લઈ નારાજગી જોવા મળી રહી છે. કોંગ્રેસના મહિલા પ્રદેશ મંત્રી અલકા દરજીએ પાર્ટી સાથે છેડો ફાડતા આરોપ મૂક્યો છે કે, કોંગ્રેસમાં ટિકિટનો વહીવટ થઈ રહ્યો છે. જ્યારે સુરત કોંગ્રેસમાં પણ ટિકિટ વહેંચણીને લઈને બળવાની સ્થિતિ સર્જાઈ છે. આમ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થયો છે અને ધીમે ધીમે પાર્ટી ગુજરાતમાં નબળી પડતી જોવા મળી રહી છે.