રાજ્યમાં હવે કોરોના એ હદે વધી રહ્યો છે કે બાળકો પણ તેના શિકાર બની રહ્યા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર રાજ્યમાં અત્યાર સુધીમાં 500 બાળકો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. જેમાં 60 ટકા બાળ દર્દીઓ પાંચ વર્ષથી નાની ઉંમરના હોવાની માહિતી સામે આવી છે. જેને લઈ વાલીઓમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યુ છે.
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાથી ત્રણ બાળકોના મૃત્યુ નિપજ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રીશીયન ડોક્ટર ચારૂલ મહેતાએ નિવેદન આપતા જણાવ્યું કે પાંચ એપ્રિલે ચાંદલોડિયાના અર્બુદાનગરમાં વિસ્તારમાં આઠ વર્ષના બાળકનું મોત નિપજ્યું છે. તો ત્રણ એપ્રિલે મેમનગર સ્થિત જનકપુરી વિસ્તારમાં રહેતી નવ વર્ષની બાળકીનો પણ કોરોનાએ ભોગ લીધો છે. તો 23 માર્ચે પણ અમરાઈવાડી વિસ્તારની બે વર્ષની બાળકીનું મોત નિપજ્યું છે.
એટલુ જ નહી રાજકોટમાં પણ છેલ્લા 15 દિવસથી 25થી 30 બાળકોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 16 અને વોકહાર્ટ હોસ્પિટલમાં ચાર બાળકો કોરોનાની સારવાર હેઠળ છે. જ્યારે બાકીના બાળકો હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યાં છે. મહત્વનું છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં 3 લાખ 24 હજાર 881 લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. જે પૈકી 3 લાખ 2 હજાર 932 લોકો કોરોના સામેની જંગ જીતી ગયા છે. જ્યારે 4 હજાર 598 લોકોના મોત થયા છે.