દાહોદ જિલ્લામાં આજે મેઘતાંડવ જોવા મળ્યું હતું.. સમગ્ર જિલ્લામાં શનિવાર સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો છે. ભારે વરસાદના પગલે દાહોદ શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યાં છે. ભારે વરસાદને પગલે ઝાલોદની અનાસ નદીમાં 6 યુવકો ફસાયાનો બનાવ બન્યો છે.
નદીમાં અસ્થિ વિસર્જન કરવા ગયેલા યુવકો પાણીનો પ્રવાહ અચાનક આવી જતા ભારે અફરાતફરી સર્જાઈ હતી. નદીનું વહેણ અચાનક જ વધી જતા યુવાનો ફસાઇ ગયા હતા. જે પૈકી એક યુવાન નદીમાં પ્રવાહમાં તણાઇ જતા મોત થયું હતું. જ્યારે એક યુવાન પાણીના પ્રવાહમાં તરીને બહાર આવી ગયો હતો. જેથી તેનો બચાવ થયો હતો. જ્યારે ચાર યુવાનો નદીની વચ્ચે બેટ પર ફસાઈ ગયા હતા. જેનો વિડિયો પણ સામે આવ્યો છે.
https://twitter.com/TheSquirrelin/status/1297167161706733568?s=20
ઘટના અંગેની જાણ થતા સ્થાનિક અધિકારીઓ તેમજ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. યુવાનોને બહાર કાઢવા માટે લુણાવાડાથી એનડીઆરએફની ટીમ બોલાવવામાં આવી છે. એનડીઆરએફની ટીમે યુવાનોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યુ હતું.