સરકાર દ્વારા અગાઉ મગફળી, ચણા, તુવેર વિગેરેની ટેકાના ભાવે ખરીદી કરવામા આવી હતી. તેની સાથે સાથે ઘઉંની પણ ટેકાની ખરીદી શરૂ કરાઇ હતી. પરંતુ હાલમા ખુલ્લા બજારમા ખેડૂતોને ઘઉંના ઉંચા ભાવ મળી રહ્યાં હોય અમરેલી જિલ્લામા ખેડૂતોએ સરકારને ટેકાના ભાવે ઘઉં વેચવામા બિલકુલ રસ દાખવ્યો નથી. બલકે અમરેલી જિલ્લામાં એકપણ ખેડૂતે સરકારને ટેકામા ઘઉં વેચ્યા નથી. અગાઉ સરકાર દ્વારા ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવાયુ હતુ. આ વિસ્તારના ખેડૂતોએ ઓનલાઇન રજીસ્ટ્રેશનમા પણ જરા પણ રસ દાખવ્યો ન હતો.
ભુતકાળમા મગફળીથી લઇ ચણાના વેચાણ માટે મોટી સંખ્યામા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતુ. પરંતુ અમરેલી જિલ્લામા માત્ર 13 ખેડૂતોએ ટેકાના ભાવે ઘઉં વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતુ. એક તરફ અમરેલી જિલ્લામાં સિંચાઇની અપુરતી સુવિધા છે.
જેના કારણે સિંચાઇવાળા અન્ય વિસ્તારો કરતા આ વિસ્તારમા ઘઉંનુ વાવેતર ઓછુ થાય છે. અને બીજી તરફ જે સમયે રજીસ્ટ્રેશન શરૂ હતુ તે સમયે પણ ખુલ્લા બજારમા ઘઉંના ભાવ ઉંચા ચાલતા હતા. જેને પગલે ખેડૂતો રજીસ્ટ્રેશન માટે આવ્યા જ ન હતા. સરકારી તંત્ર પોતાની જડતાથી ચાલતુ હોય છે. જેને પગલે માત્ર 13 ખેડૂતનુ રજીસ્ટ્રેશન હોવા છતા ખરીદ કેન્દ્રો ઉભા કરી સ્ટાફ ફાળવાયો હતો અને સ્ટાફ દ્વારા આ 13 ખેડૂતોને એસએમએસ પણ કરવામા આવ્યા હતા. પરંતુ જિલ્લાભરમાથી એકેય ખેડૂત સરકારને ટેકાના ભાવે ઘઉં વેચવા માટે આગળ આવ્યા ન હતા.
સરકાર દ્વારા ટેકાનો ભાવ રૂપિયા 403 નક્કી કરાયો છે. જયારે ખુલ્લા બજારમા નબળામા નબળા ઘઉં પણ 403થી વધુ ભાવે વેચાઇ રહ્યાં છે. જયારે સારા ઘઉંના ખેડૂતોને 600 સુધીનો ભાવ મળી રહ્યો છે. આમ જનતાના હાથમા પહોંચતા સુધીમા ઘઉંનો ભાવ 620થી લઇ 720 કરતા વધુ પહોંચી રહ્યો છે. જિલ્લામા હવે તંત્ર દ્વારા ઘઉંની ટેકાની ખરીદીનુ કામ આટોપી પણ લેવાયુ છે.