પશુ પરની ક્રૂરતાના ગુનામાં ઝડપાયેલ આરોપીઓને જામીન આપવાને લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા મહત્વની ટિપ્પણી કરવામાં આવી છે. આવા ગુનાના કેસના આરોપીને જામીન આપવાનો ઈન્કાર કરતા હાઈકોર્ટે પોતાના અવલોકન કરતા જણાવ્યુ કે, પશુઓ પણ મનુષ્યની જેમ શારીરિક અને માનસિક પીડા, યોતનાનો અનુભવ કરે છે અને સમજી શકે છે. તેમની ઉપર થતી યાતનાઓનો તેઓ પણ ગંભીર રીતે અનુભવ કરી શકે છે.
હાઈકોર્ટે જણાવ્યું કે, પશુઓને ગેરકાયદે કતલ માટે લઈને જતા આરોપીને જામીન આપી શકાય નહીં. હાઈકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન આ અંગેની ટિપ્પણી કરી હતી. ટ્રકમાં ગેરકાયદેસર રીતે પશુધનને ભરીને લઇ જતાં અને તેમની ઉપર ક્રૂરતા ગુજારવાના આરોપીને હાઇકોર્ટે જામીન આપવાનો ઇન્કાર કરતાં આદેશમાં નોંધ્યું હતું કે,‘કથિત ગુનામાં આરોપીની પ્રથમદર્શીય સંડોવણી જણાઇ આવે છે. તેથી ગુનાની ગંભીરતા જોતાં અને જે આરોપો લગાવવામાં આવ્યા છે અને તેની કાયદામાં જે સજા છે તેને જોતાં આરોપીને જામીન આપી શકાય નહીં.
આ મામલે રાજ્ય સરકાર તરફથી કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે,‘આરોપી પશુઓ પર ક્રૂરતા કરવાના ગુના આચરવાની ટેવ છે અને તે આવા જ અન્ય કેસમાં પણ સંડોવાયેલો છે.’ તમામ પક્ષોની રજૂઆત બાદ હાઇકોર્ટે આરોપીને જામીનનો ઇન્કાર કર્યો હતો.