ગુજરાત સહિત દેશભરમાં કોરોના મહામારીના કારણે સ્કૂલ-કોલેજો હજી સુધી ખોલવામાં આવી નથી. કોરોનાની દહેશતના કારણે ઘણી યુનિવર્સિટીઓએ પરીક્ષા રદ્દ કરવી પડી છે તો ઘણી યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન અને ઓફલાઈન પરીક્ષાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ઓફલાઈન પરીક્ષા મોકૂફ રાખવાના કેટલીક યુનિવર્સિટીઓના નિર્ણયની શિક્ષણ વિભાગે આલોચના કરી છે.
(File Pic)
શિક્ષણ વિભાગે સરકારી યુનિવર્સિટીઓના કુલપતિઓને મોકલેલા પરિપત્રમાં ગુજરાત યુનિવર્સિટી કે અન્ય યુનિવર્સિટીઓના નામનો ઉલ્લેખ કર્યા વિના ઓફલાઈન પરીક્ષા મોકુફ રાખવા બાબતે આલોચના કરી છે. આ સાથે જ આગામી 30મી સપ્ટેમ્બર સુધીમાં ઓનલાઈન કે ઓફલાઈન પરીક્ષા પૂર્ણ કરવા માટે જણાવ્યું છે.
(File Pic)
ગુજરાત યુનિવર્સિટી, જીટીયુ, જૂનાગઢ યુનિવર્સિટી, પાટણ યુનિવર્સિટી અને શિક્ષણ વિભાગ વચ્ચે સંકલનના અભાવે ઓફલાઈન પરીક્ષા જાહેર કર્યા પછી મોકૂફ રાખવાની ફરજ પડયાં બાદ સફાળા જાગી ઉઠેલા શિક્ષણ વિભાગે સુધારેલો પરિપત્ર કરીને ઓફલાઈન પરીક્ષાઓ મોકૂફ રાખવી યોગ્ય નથી તેમ જણાવ્યું છે. મહત્વનું છે કે, શિક્ષણ વિભાગના 7 ઓગસ્ટના પત્રનો હવાલો આપીને ઓફલાઈન પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય કેટલીક યુનિવર્સિટીઓએ લીધો છે. જે અંગે શિક્ષણ વિભાગે આલોચના કરી હતી. શિક્ષણ વિભાગે દરેક યુનિવર્સિટીઓને પોતાના વિસ્તારની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને સ્ટાફની આરોગ્યલક્ષી સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારત સરકારની ગાઈડલાઈન પ્રોટોકોલ મુજબ 30મી સપ્ટેમ્બર સુધીમાં પરીક્ષા પૂર્ણ કરવા જણાવ્યું છે.