ગુજરાતભરમાં કોરોના સંક્રમણના કારણે હાલ હાહાકાર મચ્યો છે. સ્કૂલ-કોલેજો કોરોનાના સંક્રમણને જોતા હજી સુધી શરુ કરવામાં આવી નથી. તો કેટલીક યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન તેમજ ઓફલાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવનાર છે. જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પરીક્ષાના 15 દિવસો દરમિયાન જો કોઈ વિદ્યાર્થીને કોરોના વાયરસનું સંક્રમણ ફેલાય તો 1 લાખ રુપિયાની સહાય કરવાનો નિર્ણય લીધો છે.
(File Pic)
25 જુલાઈથી શરુ થનાર છેલ્લા વર્ષની પરીક્ષામાં આશરે 14 હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે છે. લોકડાઉનના કારણે આ પરીક્ષાને પાછળ ઠેલવવામાં આવી હતી. મેડિકલ, પેરામેડિકલ તથા તમામ પોસ્ટ-ગ્રેજ્યુએટ કોર્સની પરીક્ષા 4 ઓગસ્ટથી શરુ થશે અને 10 ઓગસ્ટે ખતમ થશે. આ અંગે યુનિ.ના કુલપતિ ડો. પેથાણી તથા ઉપકુલપતિ ડો. દેથાણીએ જણાવ્યું હતું કે યુનિવર્સિટીની પરીક્ષામાં સરકારની કોવીડની ગાઈડલાઈનનો ચુસ્તપણે અમલ કરાશે.
(File Pic)
પરીક્ષાખંડમાં એન્ટ્રી પુર્વે વિદ્યાર્થીઓનું થર્મલ ગનથી ટેમ્પરેચર મપાશે તેમજ માસ્ક પહેરેલા વિદ્યાર્થીઓને જ પરીક્ષાખંડમાં પ્રવેશ અપાશે. મહત્વનું છે કે, વિદ્યાર્થીઓના આરોગ્યની સલામતી માટે હેલ્થ સપોર્ટ કમીટી બનાવવાનો નિર્ણય લેવાયો હતો. તેમજ પરીક્ષા શરુ થયા બાદ 15 દિવસમાં કોઈ વિદ્યાર્થીને કોરોના પોઝિટિવ હોવાનું સામે આવે તેને હેલ્થ કવરેજ અપાશે.