દેશના વિવિધ રાજ્યોમાં લોકડાઉનને કારણે અટકી પડેલા પરપ્રાંતયી મજૂરોને તેમના ઘરે પહોંચાડવા વિશેષ નિયમો સાથે રેલવેએ શ્રમિક વિશેષ ટ્રેનો દોડાવી હતી, પરંતુ હજુ પણ દેશભરમાં કોરોનાનો આતંક દિનપ્રતિદિન વધુને વધુ વિફરી રહ્યો હોવાથી રેલવે વિભાગે આજે મહત્વનો નિર્ણય લીધો છે કે 12 ઓગસ્ટ સુધી મેલ, એક્સપ્રેસ, પેસેન્જર ટ્રેન, લોકલ ટ્રેન અને EMU ટ્રેન ચલાવાશે નહીં.
આ સિવાય જો કોઈ મુસાફરે 12 ઓગસ્ટ સુધી રેગ્યુલર ટ્રેનમાં બુકિંગ કરાવ્યું છે તો તેને 100 ટકા રિફંડ મળશે. આ અગાઉ 13 મે ના આદેશમાં રેલવે બોર્ડે કહ્યું હતું કે 30 જૂન સુધી રેગ્યુલર ટ્રેનની બુકિંગ કેંસલ કરવામાં આવી રહી છે, જેમાં યાત્રીઓને પુરુ રિફંડ મળશે.
આ દરમિયાન 12 મેથી ચાલુ સ્પેશિયલ રાજધાની ટ્રેન અને 1 જૂનથી ચાલુ સ્પેશિયલ મેલ – એક્સપ્રેસ ટ્રેન પહેલાની જેમ ચાલતી રહેશે. આમ હવે જ્યારે ટ્રેન કેન્સલ કરવાની તારીખ વધારી દેવામાં આવી છે, તો રિફંડની સુવિધા પણ 12 ઓગસ્ટ સુધી કરી દેવામાં આવી છે.
મહત્વનું છે કે, આ પહેલા રેલવે મિનિસ્ટ્રીએ સોમવારે એક સર્કુલર જારી કરતા બધા ઝોનને જાણ કરી હતી કે 14 એપ્રિલ કે તેથી પહેલા બુક કરેલી બધી ટિકિટોનું રિફંડ કરી દેવામાં આવે. અત્યાર સુધી રેલવેએ 30 જૂન સુધીની રેલ સેવાઓ બંધ કરવાની જાહેરાત કરી છે. નવા સર્કુલરમાં તેને 12 ઓગસ્ટ સુધી કરી દેવામાં આવી છે.