દ્વારકામાં મોરારી બાપુ સાથે થયેલ વ્યવહાર બાદ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ભરત પંડ્યા મહુવા પહોંચ્યા હતા. તેમણે અહીં મોરારી બાપુ સાથે મુલાકાત કરી હતી.
સમગ્ર વિવાદ સામે આવતા મુખ્યમંત્રી રુપાણી દ્વારા પણ હુમલાના પ્રયાસની ઘટનાને વખોડવામાં આવી હતી. તો બીજીબાજુ આજે પબુભા વિવાદને લઈને આહિર સમાજ દ્વારા બેઠક યોજવામાં આવી હતી જેમાં સાંસદ પૂનમ માડમ પણ હાજર રહ્યા હતા. જેમાં આવતીકાલે પબુભા સામે ફરિયાદ નોંધાવાનો નિર્ણય આહિર સમાજ દ્વારા લેવામાં આવ્યો છે.
મહત્વનું છે કે આ ઘટનાના પગલે આહિર સમાજ દ્વારા મહુવા બંધનું એલાન કરવામાં આવ્યુહતું. મોટી સંખ્યામાં સાધુ-સંતો મહુવા એકઠા થયા હતા. જ્યારે એવી પણ ચર્ચાએ જોર પકડ્યુ છે કે પબુભા માણેક મોરારી બાપુની માફી માંગે તેવા પ્રયાસ પણ ભાજપ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે.
આપને જણાવી દઈએ કે, કથાકાર મોરારી બાપુ હાલ ખુબ ચર્ચામાં છે. થોડા સમય પહેલા દેવભૂમિ દ્વારકામાં ધર્મ સ્થાપના અને કૃષ્ણ પરિવાર પર નિવેદનને લઇને ભારે વિવાદમાં આવ્યા હતા. જે બાદ યદુવંશીઓ વિરોધ અને આક્રોષ જોતા બાપુએ બે વખત માફી માંગીને સાક્ષાત દ્વારકા ભગવાન કૃષ્ણના દર્શન ગયા હતા. પરંતુ દ્વારકામાં કૃષ્ણ ભક્ત અને ભાજપના નેતા પબુભા માણેના રોષનો સામનો કરવો પડ્યો હતો. પબુભા મારવા દોડ્યા તો સાંસદ પુનમ માડમે બાપુને રોકી લીધા હતા. પરંતુ આ ઘટના બાદ હવે માહોલ ગરમાયો છે.