રાજ્યમાં કોરોનાનું સંક્રમણ છેલ્લા ઘણા સમયથી ઘટતુ જોવા મળી રહ્યુ છે. હાલ રાજ્યમાં કોરોનાના કેસો 400થી નીચે નોંધાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રિ કર્ફ્યૂને લઈને રાજ્ય સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે.
રાજ્ય સરકારની જાહેરાત મુજબ, આગામી 1 ફેબ્રુઆરીથી રાત્રી કર્ફ્યુમાં એક કલાકની છૂટ આપવામાં આવી છે. સોમવારથી રાત્રે 11થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે. 15 ફેબ્રુઆરી સુધી આ રાત્રિ કર્ફ્યૂનો અમલ રહેશે. હાલમાં રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ લાગુ છે.
આ ઉપરાંત સત્કાર સમારંભ જેવા પ્રસંગોમાં હોલ અથવા સ્થળની ક્ષમતાના 50%થી વધુ નહી પરંતુ હવે 100ની જગ્યાએ મહત્તમ 200 વ્યક્તિઓની મર્યાદામાં પ્રસંગનું આયોજન કરી શકાશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે સરકારે ખુલ્લા મેદાનમાં થતા મેળાવડાને છૂટ આપી છે. ખુલ્લા મેદાનમાં લગ્ન સિવાયના કાર્યક્રમ માટે ખાસ તકેદારી સાથે લોકો એકત્ર થઈ શકશે.