ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે રાજ્ય સરકાર દ્વારા વધુ એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત કોરોના વાયરસના ટેસ્ટિંગ માટેના ચાર્જમાં 1000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. એટલે કે હવે ખાનગી લેબમાં કોરોના વાયરસનો ટેસ્ટ કરાવવા માટે 1500 રૂપિયા ચૂકવવા પડશે. તો જો કોઈ વ્યક્તિએ ઘરે રહીને જ કોરોનાનો ટેસ્ટ કરાવવો હશે તો આ માટે 2 હજાર રૂપિયા ચૂકવવા પડશે. મળતી માહિતી મુજબ, કોરોના ટેસ્ટના ચાર્જમાં રાજ્ય સરકારે એક હજાર રૂપિયાનો ઘટાડો કર્યો છે.
રાજ્ય સરકારની જાહેરાત મુજબ, ખાનગી લેબોરેટરીમાં કોરોનાનો ટેસ્ટ કરાવવા પર હવે 1500 રૂપિયા થશે, જ્યારે લેબોરેટરીનો કર્મચારી ઘરે આવીને વ્યક્તિનો કોરોના ટેસ્ટ કરશે તો આ માટે 2 હજાર રુપિયા ચુકવવાના રહેશે. અગાઉ કોરોનાના ટેસ્ટ માટે 2500 રુપિયા ચુકવવા પડતા હતા જ્યારે ઘરેથી ટેસ્ટ કરવાના 3 હજાર રૂપિયા ચુકવવાના રહેતા હતા.
અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં કોરોનાના RT-PCR ટેસ્ટના ભાવ ખુબ વધારે હોવાથી ગરીબ-મધ્યમ વર્ગના લોકોને ટેસ્ટ કરાવવો પોસાતો નથી જોકે હવે રાજ્યમાં ખાનગી લેબોરેટરીમાં કોરોના ટેસ્ટના ચાર્જમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે, રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 35,23,653 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. 24 કલાકમાં દરમિયાન અત્યાર સુધીના સૌથી વધુ 85,153 ટેસ્ટ કરવામાં આવ્યા છે.