કોરોના સંકટમાં પાટા પરથી ઉતરી ગયેલી અર્થવ્યવસ્થાને ફરીથી દોડતી કરતાં માટે મોદી સરકારે વધુ એક રાહત પેકેજની જાહેરાત કરી છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે આત્મનિર્ભર ભારત 3.0ની જાહેરાત કરી છે. જેમાં આત્મભારત ભારત રોજગાર યોજના લોન્ચ કરી છે તેને 1 ઓક્ટોબરથી લાગુ થશે જેની અવધિ બે વર્ષની હશે. આ યોજનાનો લક્ષ્ય છે કે વધુમાં વધુ કર્મચારી ઇપીએફઓ સાથે જોડાય અને પીએફનો ફાયદો લે.
આવા કર્મચારી જે પહેલા પીએફ માટે રજિસ્ટર્ડ નહોતા અને તેમની આવક 15 હજારથી ઓછી છે તો તેમને આ યોજનાનો લાભ મળશે. આ ઉપરાંત નાણાં મંત્રીએ કોરોના મહામારી વચ્ચે સૌથી વધુ નુકસાનીનો સામનો કરનાર 26 સેક્ટર માટે ક્રેડિટ ગેરેન્ટી સપોર્ટ સ્કીમની જાહેરાત કરી હતી. સરકારે 3 લાખ કરોડ રુપિયાની ઈમરજન્સી ક્રેડિટ લાઈન ગેરેન્ટી સ્કીમને 31 માર્ચ 2021 સુધી વધારી દીધી છે. પત્રકાર પરિષદને સંબોધતા નાણાં મંત્રીએ કહ્યું કે, તાજેતરના આંકડા અર્થતંત્રમાં સુધારાના સંકેતો આપી રહ્યા છે.
સરકારે આત્મનિર્ભર ભારત 3.0 ની જાહેરાત કરી છે. આત્મનિર્ભર ભારત રોજગાર યોજના શરૂ કરવામાં આવી છે જેથી નવી રોજગારો ઉભા થઈ શકે. નાણાં મંત્રીએ શહેરી પીએમ આવાસ યોજના અંતર્ગત 2020-21ના બજેટ અનુમાનથી વધુ 18 હજાર કરોડ ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી છે. ચાલુ વર્ષે પણ આ યોજના માટે 8 હજાર કરોડ જાહેર કરવામાં આવ્યા હતા. સરકારના આ નિર્ણયથી 12 લાખ નવા ઘર બનાવવાની શરુઆત થશે અને 18 લાખ મકાન બનીને તૈયાર થઈ જશે. આ ઉપરાંત સરકારને આશા છે કે 78 લાખ નવા રોજગારના અવસર ઉભા થશે.