સમગ્ર દેશમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. આ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે દેશભરમાં લોકડાઉનની સ્થિતિ છે. ત્યારે સરકાર દ્વારા લોકડાઉનમાં સાવચેતીના ભાગરૂપે તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. તેવામાં સાબરકાંઠાનાં વડાલી શહેરમાં પણ તેનો ચુસ્તપણે અમલ થઈ રહ્યો છે.
કોરોના વાયરસને હરાવવા માટે સમગ્ર દેશની સાથે સાબરકાંઠા જીલ્લાનુ વડાલી શહેર પણ કદમ મિલાવી રહ્યુ છે. તેમજ વડાલી શહેરમાં નાગરીકોને જીવનજરૂરી ચીજવસ્તુઓ માટે દુકાનો ખોલવાની રાહત આપવામાં આવી હતી.
પરંતુ બપોરે 12 વાગ્યા સુધીમાં તો તમામ વેપારીઓ પોતાની દુકાનો સ્વયંભૂ બંધ કરીને ઘર તરફ પ્રયાણ કરતા હોય છે. મહત્વનું એ છે કે, તમામ વેપારીઓ મોઢા પર માસ્ક પહેરે છે અને સોશિયલ ડીસ્ટન્સ રાખીને તમામ નિયમોનું પાલન કરી રહ્યા છે. તેમજ જીલ્લા અને તાલુકા વહીવટી તંત્ર તથા વડાલી પોલીસને સહકાર આપી કોરોનાને હરાવવા એકજૂટ થયા છે.