જામનગર શહેરમાં ચાલતા ગેરકાયદેસર બાંધકામો કોઈ નવી વાત નથી. આમાંથી પદાધિકારીઓ અને અધિકારીઓ પોતાના ખિસ્સા ગરમ કરીને લોકોની સુવિધાની ભારે હાની પહોંચાડી રહ્યા છે. હાલ જામનગર મહાનગરપાલિકામાં રિનોવેશનના નામે જૂના જામનગરમાં 3-3 માળ સુધીના નવા બિલ્ડીંગો ખડકી દેવાનો ધિકતો ધંધો ચાલુ થયો છે. આમાં ક્યાંય પણ માર્જિન મૂકવામાં આવતું નથી કે નિયમોનું પાલન કરવામાં આવતું નથી. પરંતુ સ્થાનિક કોર્પોરેટરો અને પદાધિકારીઓની કૃપાથી આવા ગેરકાયદેસર બાંધકામો બેધડક ખડકાઈ રહ્યા છે.
જામનગર શહેરના રતનબાઈ મસ્જિદથી આણદા બાવા ચકલો વિસ્તાર જે જૂના જામનગર તરીકે ઓળખાય છે. અહીં અસંખ્ય જૂના બાંધકામો આવેલા છે. સમયની સાથે જર્જરિત થયેલા બાંધકામોને નવા રૂપ આપવા માટે મહાપાલિકામાં રિનોવેશનના નામે મંજૂરી માંગવામાં આવે છે જે પછી તેમાં 3-4 માળ કોમર્શિયલ બાંધકામો ખડકી દેવામાં આવે છે. તદ્દન ગેરકાયદેસર ચાલતા આ બાંધકામમાં નથી માર્જિન મૂકવામાં આવતું કે નથી નિયમોનું પાલન કરવામાં આવતું. સ્થાનિક કોર્પોરેટરના આશિર્વાદ અને પદાધિકારોનું અધિકારીઓ પર દબાણ આવા કામને બેરોકટોક ચાલવા દે છે. આની જો કોઈ ફરિયાદ કરે તો તાત્કાલિક તેને દબાવી દેવામાં આવે છે અથવા તો કાગળ પર ફરિયાદને લેવામાં આવતી નથી. નવા કમિશનર વિજય ખરાડી આ બાબતે ધ્યાન આપે તો જામનગર શહેરમાં ચાલતા આવા અનેક ગોરખધંધા બહાર આવે તેમ છે જેની માટે યોગ્ય તપાસ અત્યંત જરૂરી છે.