પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના એક નેતા બોલવામાં ભાન છે. પશ્ચિમ બંગાળના નવનિયુક્ત રાષ્ટ્રીય સચિવ અને પૂર્વ સાંસદ અનુપમ હજારાએ એક વિવાદાસ્પદ નિવેદન આપી પશ્ચિમ બંગાળના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. અનુપમ હજારાએ મુખ્યમંત્રી મમતા બેનર્જી મુદ્દે એક નિવેદન આપતા કહ્યુ કે, જો તેઓ પોતે કોરોના વાયરસ પોઝિટિવ આવે છે તો પહેલા મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાસે જઈને તેમને ભેટી પડશે.
સાઉથ ૨૪ પરગણા જિલ્લાના બરુઇપુરમાં મીડિયા સાથેની ચર્ચામાં તેમણે આ અંગેની ટિપ્પણી કરી હતી. જોકે આ દરમિયાન અનુપમ હજારા અને ભાજપના ઘણા કાર્યકરોએ માસ્ક પહેર્યા નહતા અને સોશિયલ ડિસ્ટેન્સિંગનું પણ પાલન કર્યું ન હતું.
હજારા અને કાર્યકરોએ માસ્ક કેમ પહેર્યું નથી તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે ‘અમારા કાર્યકરો કોરોનાથી મોટા દુશ્મન સામે લડી રહ્યા છે. તેઓ મમતા બેનરજી સામે લડી રહ્યા છે. આથી તેમને કોરોનાની અસર થતી નથી. આ દરમિયાન તેમણે જણાવ્યું કે, જો હું ચેપગ્રસ્ત બનું તો હું મમતા બેનરજીને ભેટીશ. ભાજપ નેતાના આ વિવાદાસ્પદ નિવેદનને લઈ ખળભળાટ મચ્યો છે.