ગૂગલ મેપને ટક્કર આપવા માટે ચીનની ટેક કંપની ‘હુવાવે’ પોતાની મેપિંગ સર્વિસ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. તેનું નામ ‘મેપ કિટ’ હશે. યુઝર્સ પહેલાં આ સર્વિસને ડેવલોપર્સને બતાવવામાં આવશે, જેથી કોઈ ખામી હોય તો તે ખબર પડે. રિપોર્ટ પ્રમાણે, આ સર્વિસમાં યુઝર્સને સ્ટ્રીટ નેવિગેશન સિસ્ટમની મદદથી રિયલ ટાઈમ ટ્રાફિકની જાણકારી પણ મળશે. કંપની આ સર્વિસને ઓક્ટોમ્બર મહિનામાં લોન્ચ કરી શકે છે.
આ સર્વિસ 150થી પણ વધારે દેશને કવર કરશે અને 40 કરતાં વધારે ભાષામાં લોન્ચ થશે. આ સર્વિસ માટે હુવાવે કંપનીએ રશિયન કંપની યાનડેક્સ અને બુકિંગ ડોટ કોમની પેટન્ટ કંપની બુકિંગ હોલ્ડિંગ્સ સાથે હાથ મિલાવ્યો છે. સૌ પ્રથમ આ સર્વિસનું ટેસ્ટિંગ કરવામાં આવશે, ત્યારબાદ તેનો લાભ યુઝર્સ લઈ શકશે.
ગયા મહિને જ હુવાવે કંપનીએ ગૂગલ એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પર પોતાની નિર્ભરતા પૂરી કરવા માટે પોતાની ઓપરેટિંગ સિસ્ટમ હાર્મોની લોન્ચ કરી હતી. હાલ આ સિસ્ટમને સ્માર્ટફોન અને ટેબલેટ સિવાય સ્માર્ટ સ્પીકર્સ, ઓટોમોબાઇલ, કમ્પ્યુટર અને સ્માર્ટ વોચમાં ટેસ્ટિંગ કરી રહી છે.