જો તમે કંઇક કરવાનો દ્રઢ સંકલ્પ કરી લો તો કશું જ અશક્ય નથી! કેનેડાના એક શહેર નોવા સ્કોટીયામાં આવી જ એક ઘટના બની છે જેણે આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. અહીં એક રિયલ એસ્ટેટ કંપનીએ 197 વર્ષ જૂની ઈમારતને ડિમોલિશનથી બચાવવા માટે આખી ઈમારતને શિફ્ટ કરી દીધી. આ સાંભળીને ભાગ્યે જ કોઈ વિશ્વાસ કરશે, પરંતુ સાબુના 700 બારની મદદથી કારીગરોએ 220 ટન વજનની આખી ઈમારતને ખસેડી દીધી છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. આ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.
વાસ્તવમાં, કેનેડાના સ્કોટિયા શહેરમાં સ્થિત આ બિલ્ડિંગ 1826માં બનાવવામાં આવી હતી, જેને બાદમાં વિક્ટોરિયન એલ્મવુડ હોટેલમાં બદલી દેવામાં આવી હતી. 2018થી આ ઈમારતને તોડી પાડવાની યોજના ચાલી રહી હતી. લાંબી લડાઈ પછી, જ્યારે કોઈ વિકલ્પ બચ્યો ન હતો, ત્યારે એક રિયલ એસ્ટેટ કંપની ગેલેક્સી પ્રોપર્ટીઝે તેને ખરીદ્યું અને એક ઐતિહાસિક પહેલમાં તેને નવા સ્થાને ખસેડ્યું.
220 ટન વજનની આ વિશાળ ઇમારતને સાબુના 700 બારની મદદથી 30 ફૂટ ખસેડવામાં આવી હતી. S Rushton Constructionની ટીમે આ અશક્ય કાર્યને શક્ય બનાવ્યું છે. તેણે તેનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર પણ શેર કર્યો છે.
કંપનીના માલિક શેલ્ડન રશ્ટને જણાવ્યું હતું કે સાબુની મદદથી બિલ્ડિંગને 30 ફૂટ સરળતાથી ખસેડવામાં આવી હતી. નવો ફાઉન્ડેશન તૈયાર થયા બાદ ભવિષ્યના આયોજનમાં બિલ્ડિંગને બીજે ક્યાંક શિફ્ટ કરવામાં આવશે. ભવિષ્ય માટે ઐતિહાસિક ઈમારતોની જાળવણી અને પુનઃસ્થાપન તરફ આ એક મોટું પગલું છે.