અજય દેવગને રામસે બ્રધર્સની લાઇફ પર ફિલ્મ બનાવવાનો નિર્ણય લીધો છે. આ ફિલ્મને તેની સાથે પ્રોડ્યુસર વિનય સિંહાની દીકરી પ્રીતિ સિંહા પ્રોડ્યુસ કરવાની છે. પ્રીતિ સિંહાએ આ અગાઉ ૨૦૦૩માં આવેલી ‘સ્ટમ્પ’ અને ૨૦૧૩માં આવેલી ‘ડેવિડ’ને પણ પ્રોડ્યુસ કરી હતી. ફિલ્મ માટે તેમણે રામસે બ્રધર્સ પાસેથી રાઇટ્સ પણ લઈ લીધા છે. આ ફિલ્મની સ્ટોરી રિતેશ શાહ લખશે. રામસે બ્રધર્સે લગભગ ૩૦ હૉરર ફિલ્મો બનાવી છે. તેમણે બનાવેલી ફિલ્મોમાં સૌથી જાણીતી ફિલ્મો ‘વિરાના’, ‘પુરાના મંદિર’, ‘દરવાઝા’, ‘બંધ દરવાઝા’, અને ‘પુરાની હવેલી’નો સમાવેશ થાય છે.
તેમની એ જ વિશેષતાને બાયોપિકમાં પણ દેખાડવામાં આવશે. જોકે મેકર્સે એ વાતનો નિર્ણય નથી લીધો કે તેમના પર ફિલ્મ કે વેબ-સિરીઝ બનાવવામાં આવશે. રામસે બ્રધર્સના તુલસી રામસેનું ૨૦૧૮ની ડિસેમ્બરમાં અવસાન થયું હતું. જોકે શ્યામ રામસેનું ૨૦૧૯ની ૧૮ સપ્ટેમ્બરે ન્યુમોનિયાને કારણે નિધન થયું હતું. ફિલ્મ બનાવવાની માહિતી ટ્વિટર પર આપતાં અજય દેવગને ટ્વીટ કર્યું હતું કે ‘પ્રીતિ સિંહા સાથે મારા પ્રોડ્યુસર તરીકે આગામી પ્રોજેક્ટની જાહેરાત કરતાં હું ખૂબ ખુશી અનુભવી રહ્યો છું. રામસે બ્રધર્સની ૩ પેઢીની જનૂની, પરિશ્રમ અને સફળતાથી ભરપૂર જર્નીને દેખાડવા માટે અમે આતુર છીએ.’