ગુજરાતમાં નવરાત્રિ મહોત્સવનું ખૂબ જ મહત્વ છે, એવું કહેવું પણ ખોટુ નહીં હોય કે ગરબા એ ગુજરાતીઓની એક ઓળખ બની ગયું છે. ગુજરાતમાં જ નહીં પણ દેશ- વિદેશમાં પણ ગુજરાતીઓ નવરાત્રિ હોય કે કોઈ શુભ પ્રસંગ ગરબા રમવાનું ક્યારેય ચુકતા નથી. જોકે, આ વખતે કોરોનાની મહામારીના કારણે ખૈલેયાઓ આ તહેવાર યોજાશે કે નહીં તેને લઈ મુંઝવણમાં મુકાયા છે. કોરોનાકાળમાં સરકાર દ્વારા ઘણા તહેવારોની જાહેરમાં ઉજવણીને લઈ પ્રતિબંધ મુક્યો હતો. ત્યારે ગુજરાતમાં ગરબાનું આયોજન કરવામાં આવશે કે નહીં તે મોટો પ્રશ્ન છે.
જોકે આ બધાની વચ્ચે ખેલૈયાઓના ચહેરા પણ ખુશી જોવા મળે તેવા એક આનંદના સમાચાર મળી રહ્યા છે. મુખ્યમંત્રી રુપાણીના હોમટાઉનમાં ગરબા આયોજકોએ પાસ બુકિંગની શરુઆત કરી દેતા હવે એ વાતને વેગ મળી રહ્યો છે કે કોરોના મહામારી વચ્ચે પણ ગુજરાતના ખેલૈયાઓને નવરાત્રિમાં ગરબા રમવા રાજ્ય સરકાર છૂટછાટ આપી શકે છે.
મળતી માહિતી મુજબ, રાજકોટના ગરબા આયોજકે પાસ બુકિંગની જાહેરાત પણ કરી દીધી છે. સરકારની છૂટછાટ પહેલા જ ગરબા આયોજકોએ તૈયારીઓ શરૂ કરી છે. ગરબા આયોજક સુરભી ગ્રુપે પાસ બુકિંગની જાહેરાત પણ કરી દીધી છે. જો કે આયજકોનું કહેવું છે કે સરકાર નવરાત્રિ પર પ્રતિબંધ મુકશે તો નવરાત્રિનું આયોજન અમે બંધ રાખીશું. પણ ખેલૈયાઓ ઘરે બેઠા ગરબા રમી શકે તે પ્રકારે અમે આયોજન કરીશું.
મહત્વનું છે કે, રાજ્ય સરકારે અગાઉ નવરાત્રીનું આયોજન નહીં થાય તેવું અનેક નિવેદનોમાં જણાવી ચૂકી છે, તેમ છતાં હાલ રાજકોટના સૌથી મોટા ગરબા આયોજક સુરભી ક્લબ દ્વારા પાસના બુકિંગની જાહેરાત કરવામાં આવી છે. કોરોનાકાળમાં બનાવેલ ગાઈડલાઈન્સના નિયમોનું પાલન સાથે નવરાત્રિ આયોજનની છૂટ મળી શકે છે. જોકે રાજકોટમાં ગરબા આયોજકે અત્યારથી પાસ બુકિંગની જાહેરાત કરી દેતા કોરોના કાળમાં ગરબાનું આયોજન કેટલું વ્યાજબી છે? તેના પર ચર્ચાઓ શરૂ થઈ છે. જોકે નવરાત્રીમાં ગરબા રમાડવા કે નહીં તેનો આખરી નિર્ણય રાજ્ય સરકારના હાથમાં છે જોકે હવે જોવું એ રહેશે કે આગામી સમયમાં નવરાત્રીને લઈને રાજ્ય સરકાર શું નિર્ણય લે છે.