ભારતમાં કોરોના મહામારીનો કહેર સતત ચાલુ છે. અત્યાર સુધી કોવિડના સંક્રમણના 71 લાખ કેસ થઈ ચૂક્યા છે. આ મહામારીનો સામનો કરવા માટે દુનિયાભરમાં વેક્સીન તૈયાર કરવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે આવતા વર્ષની શરૂઆતમાં તે બજારમાં ઉપલબ્ધ થવાની આશા છે. ત્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉકટર હર્ષવર્ધને ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સની બેઠકમાં કોરોનાની વેક્સિન અંગે માહિતી આપી હતી.
તેમણે કહ્યું કે અમને આશા છે કે આવતા વર્ષની શરૂઆત સુધીમાં દેશને એકથી વધુ કોરોના રસી મળી શકે છે. આપણા નિષ્ણાતો રસીના વિતરણ માટે યોજના બનાવી રહ્યા છે. તેઓએ કહ્યું કે, ભારતની વસ્તીને ધ્યાનમાં રાખીને એક વેક્સીન કે વેક્સીન નિર્માતા સમગ્ર દેશમાં વેક્સીનેશનની આવશ્યક્તાઓને પૂરી કરવામાં સક્ષમ નહીં હોય.
તેથી અમે ભારતીય વસ્તી માટે તેની ઉપલબ્ધતા અનુસાર દેશમાં અનેક કોરોના વેક્સીનને રજૂ કરવાની વ્યવહારિતાનું આકલન કરવા માટે તૈયાર છે. આપને જણાવી દઇએ કે આની પહેલાં હર્ષવર્ધને કહ્યું હતું કે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોમાંથી ડેટા પ્રાપ્ત કરી રહી છે જેથી કરીને વેક્સીન તૈયાર થવા પર તેનું યોગ્ય વિતરણ થઇ શકે.