કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની તબિયત વધુ એક વખત લથડી છે. જેના કારણે તેમને મોડી રાત્રે એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. અમિત શાહે તાજેતરમાં જ કોરોના વાયરસને માત આપી હતી. હાલ તેઓ એમ્સના કાર્ડિયો ન્યૂરો ટાવરમાં દાખલ છે. જોકે, એઈમ્સ દ્વારા આ અંગે નિવેદન આપવામાં આવ્યુ હતું જેની પ્રેસ રીલીઝ પણ જાહેર કરવામાં આવી હતી. જેમાં જણાવાયું છે કે અમિત શાહને કોરોનાને માત આપ્યા બાદ પછી શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી જેની સારવાર બાદ 30 ઓગસ્ટે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાંથી રજા આપતા દરમિયાન તબીબોએ તેમને સલાહ આપી હતી કે તેઓ પોતાના મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ આવે. જે અંતર્ગત તેઓ એક-બે દિવસ માટે મેડિકલ ચેકઅપ કરાવવા હોસ્પિટલમાં દાખલ થયા છે.જોકે, કેટલાક મિડીયા રિપોર્ટમાં ગૃહ મંત્રી અમિત શાહની તબિયત લથડતા તેમને હોસ્પિટલ દાખલ કરાયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. ગૃહ મંત્રી શાહને કોરોનાની સારવાર બાદથી શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હોવાની વિગતો સામે આવી રહી છે. જેને લઈ ફરીથી તેઓ એઈમ્સમાં સારવાર માટે દાખલ થયા હોવાનું જાણવા મળ્યું છે. મહત્વનું છે કે, અમિત શાહનો ગત 2 ઓગસ્ટના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેઓ ગુરુગ્રામની મેદાન્તા હોસ્પિટલમાં દાખલ થયા હતા. જોકે 14 ઓગસ્ટના રોજ તેમનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. ત્યારબાદ તેમને શ્વાસ સંબંધિત સમસ્યા હોવાના કારણે 18 ઓગસ્ટના રોજ તેઓ પોસ્ટ કોવિડ કેર માટે એઈમ્સમાં દાખલ થયા હતા.