ગુજરાતમાં કોરોનાના સંકટ વચ્ચે રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની વિધાનસભાની ચુંટણી મામલે ગુજરાત હાઈકોર્ટમાં આજે મહત્વનો ચુકાદો આપ્યો છે.
ગુજરાત હાઈકોર્ટ દ્વારા ધોળકા બેઠકની ચુંટણી રદ્દ કરવામાં આવી છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને હાઈકોર્ટ દ્વારા મોટો ઝટકો મળ્યો છે.
હાઈકોર્ટે 2017ની ગુજરાત વિધાનસભાની ચુંટણી રદ્દ કરી છે, જેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીત થઈ હતી. કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે આ અંગે અરજી કરી હતી. વર્ષ 2017માં ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ગેરરીતી આચરી જીત મેળવી હોવાનો અશ્વિન રાઠોડે આક્ષેપ કર્યો હતો.
શું છે સમગ્ર મામલો?
મહત્વનું છે કે, ભૂપેન્દ્રસિંહ ચુડાસામા રૂપાણી સરકારની કેબિનેટમાં શિક્ષણ મંત્રી છે. ગત વિધાનસભા ચૂંટણીમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા આંગળીના વેઢે ગણી શકાય તેટલા મતોથી જીત્યા હતા. ધોળકા વિધાનસભા બેઠક પર માંડ 327 મતોથી કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ સામે જીત્યા હતા. 2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કોંગ્રેસના ઉમેદવારની હરાવી નજીવા મતથી જીત મેળવી હતી. જો કે ભુપેન્દ્રસિંહ ચુડાસમાની આ જીતને પડકારતી અરજી હાઇકોર્ટમાં કરવામાં આવી હતી. જેમાં આ ચૂંટણીમાં ગેરરીતિ આચરાઇ હોવાના આક્ષેપ સાથે આ અરજી કરવામાં આવી હતી.