લોકડાઉનના કારણે સર્જાયેલી આર્થિક મુશ્કેલીમાં રીક્ષા ચાલકોને આર્થિક સહાય આપવા હાઇકોર્ટે સરકારને મહત્વના આદેશ આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટે રિક્ષા યુનિયનો સાથે ચર્ચા-વિચારણા કરી યોગ્ય નિર્ણય લેવા સૂચન કરી રિટનો નિકાલ કરી ચાર સપ્તાહમાં નિર્ણય કરવા આદેશ આપ્યો છે.
મહત્વનું છે કે, અરજદારોની રજૂઆત હતી કે આંધ્રપ્રદેશ, દિલ્હી અને કર્ણાટકની રાજ્ય સરકારોની જેમ અહીં પણ રિક્ષાચાલકોને નાણાકીય સહાય મળવી જોઈએ. ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની ખંડપીઠે રાજ્ય સરકારને સૂચન કર્યુ છે કે સરકાર રિક્ષા ચાલકોના યુનિયનો સાથે ચર્ચા-વિચારણા કરે અને તેમની મુશ્કેલીઓ સમજે. આ ઉપરાંત કોર્ટે ટકોર કરી છે કે મહામારીના કપરાં સમયમાં આજની તારીખે પણ મુશ્કેલીમાં જીવતા ગરીબ પરિવારોની સરકારે મદદ કરવી જોઇએ.
રિક્ષા ચાલકો દ્વારા કરવામાં આવેલી રિટમાં રજૂઆત કરવામાં આવી હતી કે ગુજરાતમાં ૨૪મી માર્ચથી લોકડાઉનની પરિસ્થિતિ છે અને લોકડાઉનના નિયમોના કારણે રિક્ષાઓની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. રિક્ષાચાલકોની રોજીરોટી લોકડાઉનના કારણે સંપૂર્ણપણે છીનવાઇ ગઇ હોવા છતાં સરકારે તેમને નાણાકીય સહાય આપવાનું કોઇ આયોજન કર્યું નથી.