રાજ્યમાં લો પ્રેશર અને સાક્લોનીક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આગામી 48 કલાક ભારે વરસાદ ખાબકી શકે છે.
(File Pic)
આ ઉપરાંત આગાહીના પગલે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, દમણ અને દાદરા નગર હવેલી સહિતના વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે. તો માછીમારોને દરિયો ન ખડેવાની સૂચના આપવામાં આવી છે. જ્યારે અન્ય જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 17 ઓગસ્ટે આવતીકાલે વરસાદની તીવ્રતા વધી જશે. જેના કારણે કચ્છ,બનાસકાંઠા, પાટણ,સુરેન્દ્રનગર, દ્વારકા, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.
મહત્વનું છે કે, છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના કેટલાક જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદની સ્થિતિના પગલે રાજ્ય સરકાર પણ હરકતમાં આવી છે. તેમજ જે જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે ત્યાં જિલ્લા વહિવટી તંત્રને એલર્ટ રહેવા પણ સૂચનાઓ અપાઈ છે. સાથે જ એનડીઆરએફની ટીમોને પણ તૈનાત કરી દેવામાં આવી છે. સુરત, કચ્છ, દ્વારકામાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.