રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાને ફરી વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે તો અમદાવાદ ગાંધીનગર અને વડોદરામાં ભારે વરસાદની આગાહી કરી છે. 9 ઓગસ્ટે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. સાથે જ બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
(File Pic)
હવામાન વિભાગે આગામી 24 કલાકમાં રાજ્યમાં વરસાદી માહોલ રહેશે તેવી આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ વેલમાર્ક લો પ્રેશર અને સાયક્લોનીક સિસ્ટમને લઈને દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. બીજીબાજુ રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી પણ ભરાયા છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 185 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધારે ઉમરપાડામાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે.
ઉલ્લેખનીય છે કે, માંગરોળમાં સવા 4 ઈંચ, વિસાવદરમાં 4 ઈંચ, જ્યારે નેત્રંગમાં 3.5 ઈંચ, કોશોદમાં સવા 3 ઈંચ, ડેડિયાપાડામાં 3 ઈંચ, દાંતિવાડામાં પોણા 3 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે સાગબારામાં 2.5 ઈંચ, કામરેજમાં સવા 2 ઈંચ, રાધનપુરમાં સવા 2 ઈંચ, વાલિયામાં સવા 2 ઈંચ, તિલકવાડામાં સવા 2 ઈંચ અને પલસાણામાં પોણા 2 ઈંચ વરસ્યો છે.