ગુજરાતમાં હાલ છેલ્લા થોડા દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે બંગાળની ખાડીમાં સિસ્ટમ લો પ્રેશરમાં પરિવર્તીત થતાં ગુજરાત તરફ આગળ વધતાં 21મી થી 24 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં વરસી રહેલ ભારે વરસાદે છેલ્લા 24 કલાકમાં અરવલ્લી જિલ્લાને ઘમરોળ્યુ હતું.
(File Pic)
જિલ્લામાં એક દિવસમાં ભીલોડામાં 3.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે શામળાજી પાસેની નાદરી નદીમાં ઘોડાપર આવતા મોટા કંથારીયાથી નાદરાનો માર્ગ ધોવાયો હતો. જોકે અરવલ્લી જિલ્લાને બાદ કરતા રાજ્યના મોટાભાગના જિલ્લામાં ધીમી ધારે વરસાદ જોવા મળ્યો હતો.
(File Pic)
મળતી માહિતી મુજબ, હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થતા 21 ઓગસ્ટથી વરસાદની તિવ્રતા વધશે, તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી 24 કલાકમાં રાજ્યના સૌરાષ્ટ્ર-કચ્છ સહિત દીવ-દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. બંગાળની ખાડીની સિસ્ટમ લો પ્રેશરમાં પરિવર્તીત થવાથી હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. હાલ આ સિસ્ટમનો ટ્રેક ગુજરાત તરફ આગળ વધી રહ્યો છે. જેના પગલે રાજ્યમાં 21થી 24 ઓગસ્ટ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરાઇ છે. જ્યારે મધ્ય-પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે.