ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે જ્યારે લોકડાઉન 4માં રાજ્ય સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે હવે લોકડાઉનમાં છૂટછાટ મળતાં લોકો ઘરની બહાર નીકળતા થયા છે તેવામાં હવે લોકોને કાળઝાળ ગરમીનો પણ અનુભવ થઈ રહ્યો છે.
ગુજરાતમાં હાલ ઉત્તર-પશ્ચિમ દિશાનો પવન છે. ત્યારે આગામી ત્રણ-ચાર દિવસ રાજ્યનું સરરેશા મહત્તમ તાપમાન 2-3 ડિગ્રી વધી શકે છે. આગામી શુક્રવાર દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ તેમજ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હિટવેવની સ્થિતિ રહેશે.
સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં ગરમીનું મોજુ ફરી વળ્યું છે. સવારે લોકો મોટી સંખ્યામાં ઘરની બહાર નીકળ્યા હતા પરંતુ બપોરે ગરમીના પ્રકોપને કારણે રસ્તા પર વાહન અને લોકોની અવરજવર પ્રમાણમાં ઓછી જોવા મળી હતી.
અમદાવાદ, ગાંધીનગરમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત રાજકોટ, અમરેલી, ભાવનગર,મહુવા, કંડલા, ડીસા, ઈડર, વલ્લભવિદ્યાનગર અને વડોદરા સહિતના શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો ૪૦થી ૪૩ ડિગ્રી વચ્ચે રહેવા પામ્યો હતો.
તો બીજીબાજુ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. રાજ્યમાં વાતાવરણમાં પલટાની અસર કમોસમી વરસાદના સ્વરૂપમાં જોવા મળી રહી છે. અમરેલી સહિત ખાંભામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ થયો હતો. અમરેલી જિલ્લામાં સતત માવઠાના કારણે ખેડૂતોને નુકસાની વેઠવી પડી રહી છે.