ખેડૂતો સાથે સંકળાયેલ બિલનો વિરોધ કરતા મોદી સરકારમાંથી શિરોમણી અકાળી દળના નેતા હરસિમરત કૌરે ગુરુવારે રાજીનામુ આપી દીધુ હતું. તેમણે કેન્દ્રીય કેબિનેટમાં ખાદ્ય પ્રસંસ્કરણ મંત્રાલયનો પદ પરથી રાજીનામુ આપ્યા બાદ સરકાર સમક્ષ બાંયો ચડાવી છે. સરકારના સૂચિત ખેડૂત બિલના વિરોધમાં તેમણે રાજીનામું આપ્યું હતું.
રાજીનામું આપ્યા બાદ તેમણે મોદી સરકાર પર પ્રહારો પણ કર્યા છે. તેમણે કહ્યું હતું કે ખેડૂત વિરોધી બિલ હોવાના લીધે તેમણે આ બાબતે રાજીનામું આપ્યું હતું અને કહ્યું હતું કે સરકારે આ બિલ લાવતા પહેલા ખેડૂતોને વિશ્વાસમાં લીધા નહોતા.
હરસિમરત કૌરે જણાવ્યું કે, આ બીલના કારણે દેશભરમાંથી ખેડૂતો સતત 2 મહિનાથી રસ્તાઓ ઉપર આવી રહ્યાં છે અને અનેક રાજ્યોમાં આ બાબતનો વિરોધ કરી રહ્યાં છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હું આવી સરકારનો હિસ્સો ન રહી શકું જે ખેડૂત વિરોધી હોય. તેમણે સમજવું જોઈએ કેમકે દેશનું અર્થતંત્ર ખેતી પર ચાલી રહ્યું છે. જો આવી સ્થિતિમાં પ્રાઇવેટ પ્લેયર્સને પરમિશન આપવામાં આવશે તો તેઓ કૃષિ સેકટરને નષ્ટ કરી દેશે.