છેલ્લા ઘણા સમયથી ધિરાણ પર લોન આપતી કંપનીઓ દ્વારા ગ્રાહકો પર લોન ચુકવવા તેમજ વ્યાજ ચુકવવા દબાણ કરવામાં આવતું હોવાના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે. લોન લેનાર વ્યક્તિને એટલી હદ સુધી દબાણ કરવામાં આવે છે અને ધમકાવવામાં આવે છે કે તે વ્યક્તિ છેવટે આત્મહત્યા સુધીનું પણ પગલુ ભરી લેતો હોય છે. ત્યારે આ મામલે ભારતીય હિત રક્ષક પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સુનીલ સોનવણે દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ છે.
કોરોના મહામારીના પગલે લોન મોરેટોરીયમ આપવામાં આવ્યુ હતું. જોકે સુપ્રીમે મોરેટોરિયમનો સમય વધારવા અને વ્યાજ માફી માટે કરવામાં આવેલ અરજીઓમાં સંપૂર્ણ રીતે પોતાનો નિર્ણય સંભળાવ્યો નથી. જોકે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટે કોઈપણ પ્રકારની પઠાણી ઉઘરાણી ના કરવા પણ જણાવ્યું છે. જોકે તેમ છતાં બેંકો દ્વારા મધ્યમવર્ગના લોકોના ઘરે પોતાના ભાડુઆતી ગુંડાઓ મોકલીને મૂડી ચુકવવા તેમજ મસમોટુ વ્યાજ ચુકવવા દબાણ કરવામાં આવી રહ્યુ છે.
આ મામલે રાષ્ટ્રીય હિતરક્ષક પાર્ટીએ પોતાના આવેદનમાં ઉલ્લેખ કરી આવી બેંકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. બેંક, એનબીએફસી તેમજ ઓનલાઈન લોન આપતી એવી ઘણી એપ્લિકેશન છે જે આ રીતે લોકોને હેરાનગતી કરી રહી છે. આ અંગે કાર્યવાહી કરવા સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું. આ આવેદનપત્ર પાઠવવા માટે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સુનીલ સોનવણે ઉપરાંત પાર્ટીના અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.