ગુજરાત સરકારે તાજેતરમાં કાયમી શિક્ષકોની ભરતી રદ કરવામાં આવી છે અને તેની જગ્યાએ કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જો કે જ્ઞાન સહાયકની ભારતીને લઈ TAT-TET પાસ ઉમેદવારો દ્વારા આંદોલન કરીને વિરોધ કરવામાં આવ્યો હતો. પણ સરકાર આ બાબતે ટસની મસ થઈ ન હતી. બેરોજગારીના બેવડા માર વચ્ચે TAT-TET પાસ ઉમેદવારો જ્ઞાન સહાયકની ભરતીમાં ફોર્મ ભરવા મજબૂર બન્યા હતા. સરકારે પ્રવાસી શિક્ષકોને છૂટા કરી જ્ઞાન સહાયકોની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાના સમાચાર સામે આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ગુજરાત સરકારે જે જ્ઞાન સહાયકની ભરતી કરી છે તે માટે TAT-TET પાસ ઉમેદવારો દ્વારા આંદોલન કરીને વિરોધ કરવામાં આવ્યો હતો. પણ સરકાર આ બાબતે મક્કમ છે. અત્યાર સુધી જે પ્રવાસી શિક્ષકોની ભરતી કરવામાં આવતી હતી તેની જગ્યાએ હવે જ્ઞાન સહાયકની ભરતી થશે તેમજ કાયમી શિક્ષકોની ભરતી રદ કરવાનો સરકારે નિર્ણય લેતા હવે માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકો વિધાર્થીઓને અભ્યાસ કરાવશે. જ્ઞાન સહાયકની ભરતીમાં 5984 જેટલા ઉમેદવારોએ જ્ઞાન સહાયક માટે ફોર્મ ભર્યા હતા જેમાંથી 5000 જેટલા જ્ઞાન સહાયકોને સરકાર દ્વારા નિમણૂંક આપવામાં આવી છે. જ્ઞાન સહાયકોને વિધિવત રીતે નિમણૂંક આપવામાં આવતા શાળામાં અભ્યાસ કરાવતા પ્રવાસી શિક્ષકોને આજથી છૂટા કરવામાં આવશે. 11 નવેમ્બરથી જ્ઞાન સહાયક શિક્ષકો વિધિવત રીતે શિક્ષણ કાર્યમાં જોડાશે.
જ્ઞાન સહાયકની ભારતીને લઈ ઘણા બધા ભયસ્થાનો રહેલા છે. 11 મહિના પછી જ્ઞાન સહાયક શિક્ષકને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાના પ્રમાણપત્ર સાથે ફરી 11 માસના કરાર પર લેવામાં આવશે ત્યારે શિક્ષકોની કાયમી નોકરી હવે ભૂતકાળ બની ગઈ છે.