દેશના આઠ દરિયા કાંઠાને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ઓળખ અંતર્ગત ‘બ્લૂ ફ્લેગ’ માટે પ્રમાણિત કરાયા છે. જેમાં ગુજરાતના બે બીચનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતના દ્વારકાનો શિવરાજપુર બીચ અને દીવનો ઘોઘલા બીચને બ્લૂ ફ્લેગ દરજ્જો મળ્યો છે. ભારતના કુલ આઠ દરિયાઈ બીચને ઈકો ફ્રેન્ડ્લી તથા ઈન્ટરનેશનલ માપદંડો અનુસારની સ્વચ્છતા ધરાવતા બીચની યાદીમાં સ્થાન પ્રાપ્ત થયુ છે.
ત્યારે હવે દુનિયાના સૌથી સ્વચ્છ બીચની યાદીમાં સ્થાન મળતા પ્રવાસનને પ્રોત્સાહન મળી શકે છે. ‘બ્લૂ ફ્લેગ બીચ’ને દુનિયાના સૌથી સ્વચ્છ સમુદ્ર કિનારા માનવામાં આવે છે. આ વિશ્વનું સૌથી માન્ય વોલન્ટરી ઈકો લેબલ છે. બ્લૂ ફ્લેગ લેબલ મેળવવા માટે પર્યાવરણીય, શૈક્ષણિક, સુરક્ષા અને સુગમતાના અનેક માપદંડોની ચકાસણી કરવામાં આવે છે.
આ સર્ટિફિકેટ ફાઉન્ડેશન ફોર એન્વાયરન્મેન્ટલ એજ્યુકેશન નામની બિનસરકારી ઈન્ટરનેશન ઓર્ગેનાઈઝેશન દ્વારા અપાય છે. મહત્વનું છે કે, સરકાર તરફથી 18મી સપ્ટેમ્બરે આ બીચને ઈન્ટરનેશનલ ઈકો-લેબલ આપવા માટે ભલામણ કરાઈ હતી. શિવરાજપુર અને ઘોઘલા સહિતના આઠ બીચોમાં કર્ણાટકના કાસરગોડ અને પદુબિદ્રી, કેરળના કપ્પડ, આંધ્રપ્રદેશના રુશિકોંડા, ઓરિસ્સાના ગોલ્ડન અને અંદામાનના રાધાનગરનો સમાવેશ થાય છે.