ગુજરાતની રુપાણી સરકાર દ્વારા રાજ્યની પ્રથમ હેરિટેજ ટુરિઝમ પોલીસી જાહેર કરવામાં આવી છે. રુપાણી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ નવી પોલિસીથી હવે ગુજરાતની પ્રાચીન ધરોહર, ઐતિહાસિક વિરાસત અને જોવાલાયક પુરાતન સ્થળો વર્લ્ડ ટુરિઝમ મેપ પર ચમકશે. તેમજ દેશ-વિદેશના પ્રવાસીઓને રાજ્યના ઐતિહાસિક વિરાસતના સ્થાનો, હેરિટેજ પ્લેસીસ નજીકથી જોવા-માણવાનો લ્હાવો મળશે. રાજ્યમાં રાજા રજવાડાના ઐતિહાસિક મહેલો, કિલ્લાઓ, દર્શનીય સ્થળો, ઈમારતો, ઝરૂખાઓ, હેરિટેજ હોટલ, હેરિટેજ મ્યુઝિયમ, હેરિટેજ બેન્ક્વેટ હોલ અને હેરિટેજ રેસ્ટોરેન્ટ શરૂ કરાશે.
૧ જાન્યુઆરી, ૧૯૫૦ પહેલાની આવી ઐતિહાસિક ઇમારતો, મહેલો, કિલ્લા વગેરેમાં હેરિટેજ હોટલ, હેરિટેજ મ્યુઝિયમ, હેરિટેજ બેન્ક્વેટ હોલ અને હેરિટેજ રેસ્ટોરેન્ટ બની શકશે. જેમાં પોષાય તેવા દરે સુવિધાયુક્ત આવાસ મળવાની જાહેરાત કરાઈ છે. 1થી 6 રૂમના આવાસને હોમ સ્ટે તરીકે આપી શકાશે. હોમ સ્ટેને ઘરેલુ પ્રોપર્ટી ટેક્સ અને વીજદરમાં લાભ મળશે. સાથે જ રજિસ્ટર્ડ હોમ સ્ટેને સોલાર રૂફ ટોપનો પણ લાભ મળશે. ગુજરાતમાં હાલ 100 જેટલા હોમ સ્ટે કાર્યરત હોવાનું જાણવા મળ્યુ છે.
આ પોલિસી અંતર્ગત ગુજરાતની પ્રથમ હેરિટેજ ટુરીઝમ પોલિસીમાં હેરિટેજ હોટલ માટે રૂ.5થી 10 કરોડ સુધીની સહાય આપવાનો નિર્ણય કરાયો છે. જોકે હેરિટેજ પ્લેસના મૂળભૂત માળખા કે સ્ટ્રકચરને કોઈ છેડછાડ કર્યા સિવાય આ કામગીરી કરી શકાશે. તેમજ હેરિટેજ મ્યુઝીયમ, હેરિટેજ બેંકવેટ હોલ અને હેરિટેજ રેસ્ટોરન્ટ નવા શરૂ કરવા કે રીનોવેશન માટે 45 લાખથી 1 કરોડ સુધીની સહાય અપાશે. આ ઉપરાંત પાંચ વર્ષ માટે 7 ટકા વ્યાજે સબસિડી મહત્તમ પ્રતિ વર્ષ ૩૦ લાખની મર્યાદામાં અપાશે. મહત્વનું છે કે, નવી હેરિટેજ ટુરીઝમ પોલિસીને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આખરી ઓપ આપવામાં આવ્યો છે.