ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અત્યારે ભારત તેમજ અન્ય દેશોમાં કોરોનાની વેક્સિન પર કામ ચાલી રહ્યુ છે. ત્યારે સ્વિત્ઝરલેન્ડની રિઝેન અને વડોદરાની એલેમ્બિક ફાર્માસ્યુટિકલ દ્વારા વિકસાવાઈ રહેલી રસીને અમેરિકી ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ક્લિનિકલ ટ્રાયલ માટે મંજૂરી આપી છે.
મહત્વનું છે કે કોઈપણ રસી તૈયાર થતાં સૌથી પહેલા મનુષ્યેતર સજીવો પર તેનો પ્રયોગ થતો હોય છે. પછી મનુષ્ય પર ચાર તબક્કામાં પ્રયોગ થતો હોય છે. મનુષ્ય પર થતો દવા-રસીનો પ્રયોગ ક્લિનિકલ ટ્રાયલ તરીકે ઓળખાય છે. પરિક્ષણ દરમિયાન આ રસીનો સિંગલ ડોઝ અસરકારક સાબિત થતા હવે તેના ક્લિનિકલ ટ્રાયલને મંજૂરી મળી છે.
આ રસીને હાલ કામચલાઉ ધોરણે ‘આરપી-7214 ‘નામ આપવામાં આવ્યું છે. જોકે આ રસી તૈયાર થયા બાદ સૌથી મોટો પડકાર એ રહેશે કે મંજૂર થયેલ રસી કોને આપવામાં આવે છે. કોઈ એક વ્યકિત ગરબડ કરીને બે વાર રસી ન મેળવી લે, કોઇ ગંભીર દર્દી બાકી ન રહી જાય તેની નોંધ રાખવી કપરી છે. આ માટે ગુજરાતી સોફ્ટવેર કંપનીએ વેક્સિન મેનેજમેન્ટ સિસ્ટમ વિકસાવી છે. તેના કારણે રસી આપી દીધા પછી માત્ર અંગુઠાના નિશાન દ્વારા નોંધ રાખી શકાશે.