ગુજરાત પર ચોમાસુ વરસાદી સિસ્ટમ પુર્ણપણે સક્રીય થતાં સમગ્ર રાજયમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર તથા ઉતર ગુજરાતના જીલ્લાઓમાં વિશેષ જોર રહ્યું છે. આ સાથે ગુજરાતમાં સિઝનની સરેરાશનો 100 ટકા વરસાદ થઈ ગયો છે. અત્યાર સુધી ગુજરાતમાં સરેરાશનો 102.73 ટકા વરસાદ થઈ ગયો છે.
ગત વર્ષની વાત કરવામાં આવે તો કુલ 146 ટકા સરેરાશ વરસાદ નોંધાયો હતો. જ્યારે 2017માં 112 ટકા હતો. 2018માં 76 ટકા હતો. જ્યારે ચાલુ વર્ષે ઓગસ્ટમાં જ 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં 24 કલાકની વાત કરવામાં આવે તો સરેરાશ 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ સાથે જ સીઝનનો સરેરાશ કરતા 102.73 ટકા વરસાદ થઈ ગયો છે. જેમાં તમામ ઝોનમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.
જેમાં કચ્છમાં 188 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 87.44 ટકા, મધ્ય ગુજરાતમાં 78.98 ટકા, સૌરાષ્ટ્રમાં 134.81 ટકા તેમજ દક્ષિણ ગુજરાતમાં 90.21 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યમાં ચાલુ વર્ષે સરેરાશ 4.92 ઈંચથી ઓછો વરસાદ પડ્યો હોય તેવો એકપણ તાલુકો નથી. તાલુકા મુજબ વાત કરવામાં આવે તો 42 તાલુકામાં 9.88 ઈંચથી 19.86 ઈંચ, 139 તાલુકામાં 19.72 ઈંચથી 39.37 ઈંચ જ્યારે 69 તાલુકાઓમાં 39.38 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.