ગુજરાતભરમાં જીવલેણ કોરોના વાયરસનું સંક્રમણ ઝડપભેર વધી રહ્યું છે, ત્યારે ટેસ્ટીંગ માટે ખાનગી લેબોરેટરી દ્વારા લેવાતો રૂ. 4500નો ટેસ્ટ ચાર્જ અન્ય રાજ્યોની સરખામણીએ ઘણો ઉંચો હોવાની ફરિયાદ ઉઠવા પામી છે.
આ દરમાં ઘટાડો કરવામાં આવે તો વધુ લોકો તેનો લાભ લઇ શકે તેમ છે. આ બાબતે અમદાવાદ મેડિકલ એસોસીએશન દ્વારા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને હેલ્થ વિભાગના અગ્ર સચીવ સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે.
આ અંગે મેડિકલ એસોસીએશનના પ્રેસીડેન્ટ ડૉ. મોના પી. દેસાઈએ જણાવ્યું હતું કે, આપણો દેશ ગરીબ છે ત્યારે કોરોનાના ટેસ્ટના ચાર્જ આટલાં ઉંચા પોષાય તેમ નથી. એક જ ઘરમાંથી બે લોકોનો કોરોનાનો ટેસ્ટ કરાવવો હોય તો 9000 રૂપિયા થાય.
હવે જ્યારે કોરોના તેના પીક તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે આ ટેસ્ટના નફા વગર ન્યાયપૂર્ણ, વાસ્તવિક અને વ્યાજબી દર નક્કી કરવા જોઇએ. આ માટે 2000થી 2400ના ફિક્સ રેટ નક્કી થાય તો લોકોને રાહત થઈ શકે છે.
કયા રાજ્યમાં કોરોના ટેસ્ટનો કેટલા રુપિયા ચાર્જ?
આંધ્ર પ્રદેશ | ૨૪૦૦થી ૨૯૦૦ |
દિલ્હી | ૨૪૦૦ |
મહારાષ્ટ્ર | ૨૨૦૦થી ૨૮૦૦ |
તેલંગાણા | ૨૨૦૦થી ૨૮૦૦ |
તામીલનાડુ | ૨૫૦૦થી ૩૦૦૦ |
રાજસ્થાન | ૨૨૦૦ |
કર્ણાટક | ૨૬૦૦થી ૪૫૦૦ |
ગુજરાત | ૪૫૦૦ |