કોરોના વાઈરસથી વિશ્વભરમાં ફેલાયેલી મહામારી સામેની લડતમાં ગુજરાતે આજે એક મહત્ત્વની સફળતા પ્રાપ્ત કરી છે. રાજકોટની એક કંપનીએ કોરોના દર્દીઓના ઈલાજમાં સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવતા સ્વદેશી બનાવટના વેન્ટિલેટરનું ફક્ત 10 દિવસમાં નિર્માણ કરી દેખાડ્યું છે.
ધમણ-1 નામના આ વેન્ટિલેટરની ખાસિયત એ છે કે તેના બધા પાર્ટ્સ સ્વદેશી છે અને તેની પડતર ફક્ત રૂ. 1 લાખ જેટલી છે. જ્યારે બજારમાં અન્ય સામાન્ય વેન્ટિલેટરની કિંમત રૂ. 6.50 લાખ જેટલી હોય છે અને અત્યારે તો તેની પણ ભયંકર શોર્ટેજ છે. કોરોના સંકટમાં ગુજરાતમાં સહિત સમગ્ર વિશ્વ હાલ લડી રહ્યું છે.
આ મહામારીમાં સૌથી ઉપયોગી એવું મેડિકલ ડિવાઈસ એટલે કે વૅન્ટિલેટર ખૂબ જ મહત્વનું છે અને તેની સમગ્ર વિશ્વમાં અછત છે. ત્યારે ગુજરાત માટે સૌથી મોટી સફળતા સાંપડી છે કારણે રાજકોટમાં સરકાર સાથે મળીને એક કંપનીને વૅન્ટિલેટર્સ બનાવવામાં સફળતા મળી છે..
આ અંગે અમદાવાદ સિવિલ ખાતે મુખ્યમંત્રી રુપાણી અને ડેપ્ટી મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી જેમાં રાજકોટની કંપની દ્વારા સફળતાપૂર્વક બનેલા આ નવા વેન્ટિલેટર્સમાંથી ગુજરાત સરકારને પ્રથમ 1000 વેન્ટિલેટર્સ મફતમાં આપવામાં આવશે તેમ જણાવ્યુ હતું.