ગુજરાતમાં તો જાણે લોકડાઉનનો કોઈ ફાયદો જ ન થતો હોય તેવી હાલત થતી જાય છે અને તેમાંય ખાસ કરીને અમદાવાદમાં કોરોનાના કેસોની સંખ્યાનો આંકડો જોતા સ્થિતિ દિવસેને દિવસે બદતર થતી જોવા મળી રહી છે.
ગુજરાતમાં કોરોનાના કહેરના કારણે લોકડાઉન વધે તેવી ચર્ચાએ પણ જોર પકડ્યુ છે. રાજ્ય સરકારે આ અંગે તમામ તૈયારી કરી લીધો હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહયું છે. જોકે કેન્દ્ર સરકારના નિર્ણય બાદ જ રાજ્ય સરકાર આ અંગેનો નિર્ણય લેશે.
ગુજરાતમાં હાલ ઈક્યુબેશનનો પિરિયડ ચાલી રહ્યો છે જેના કારણે મે મહિનાના પહેલા અઠવાડિયામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થશે. એટલે આવા સમયે લોકડાઉન ખોલવુ એ ખતરા સમાન છે તેથી રાજ્ય સરકાર જ્યાં કોરોનાના ક્લસ્ટર ઝોન છે તે વિસ્તાર અને શહેરમાં લોકડાઉન ખોલવા ઈચ્છતી નથી.
મળતી માહિતી મુજબ ગુજરાતમાં ત્રણ મે બાદ લોકડાઉન 3.0 લાગુ થઈ શકે છે. કોરોનાના કેસમાં થતા સતત વધારાના કારણે આ નિર્ણય લેવામાં આવે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. જોકે આ લોકડાઉન અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ પુરતુ લંબાય તેવું માનવામાં આવી રહ્યું છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં તેમજ ગ્રીન ઝોનમાં આવતા શહેરોને છૂટછાટ મળી શકે છે. જોકે, લોકડાઉન લંબાવવા માટે રાજ્ય સરકાર પણ કેન્દ્રના નિર્ણયની રાહ જોઈ રહી છે.